અમરેલી: જિલ્લાના મોટા મુંજિયાસરમાં એક આશ્ચર્ય જનક ઘટના બની છે. જ્યાં 40 વિદ્યાર્થીઓએ પોતાના જ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો ઈજાગ્રસ્ત વિધાર્થીઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટના અંગે શાળાના કોઈ પણ શિક્ષકોએ જાણ ન કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. બાળકો પણ આ મામલે કંઈ કહેવા માટે તૈયાર નથી, ઉલ્લેખનીય છે કે આ બનાવ એક અઠવાડિયા અગાઉ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વિધાર્થીઓએ જાતે જ કાપા માર્યા હોય તેવો ખુલાસો થયો છે, આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પીઆઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનામાં વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે. વાલીઓએ પોલીસમાં ઘટના અંગે અરજી કરી છે. ઘટના પાછળનું કારણ જાણવા માટે વાલીઓએ માગ કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ધોરણ 7મા ભણતા એક છાત્ર જે બગસરાથી આવે છે. તેણે વીડિયો ગેમમાથી પ્રેરણા લઇ પોતાના સાથી છાત્રોને બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તમને 10 રૂપિયા આપુ અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. આ સમગ્ર મામલે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે, બાળકો સામ સામે ચેલેન્જ આપી હતી. આપણા બધા માટે આ ગંભીર બાબત છે. આજે સાંજ સુધી રિપોર્ટ મળશે, બાળકોના માનસ પર એવી અસર થઇ છે. ડેન્જરસ ગેમના રવાડે બાળકો ચઢ્યા હતા. હારી જાય તો બ્લેડ મારી દેવાની તેવી ગેમ હતી. ઘટનાને એક કેસ સ્ટડી તરીકે લેવાશે, વિડિયો ગેમ પર શું કરવું તે વિચાર કરીએ છીએ. આ પ્રકારની ઘટના રોકવા ગહન ચિંતનની જરૂર છે અને અમારી સરકાર આ અંગે પગલાં લેશે. આ ઘટના અંગે DEOએ બેદરકારી ભર્યો જવાબ આપ્યો હતો અને આખી ઘટનાને સામાન્ય ગણાવી હતી.
