રાજ્યમા થોડા દિવસો પહેલા સુરતના કીમ-કોલંબા સ્ટેશન વચ્ચે પ્રમોશનની લાલચમાં હાજરો લોકો જીવ જોખમમાં મુકી ટ્રેન ઉથલાવવાનું કાવતર સામે આવ્યું હતું. ત્યારે આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ પ્રકાશમાં છે. બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર કોઈએ મોડી રાત્રીના રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા લોખંડના પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના કારણે બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર મોડી રાત્રીના ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જિન બંધ થયું હતું..
આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી. જ્યારે ટ્રેન સહીસલામત રીતે રેલવે ટ્રેક પર ઊભી રહી જતા હજારો જીવ બચ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને લઈને રેલવે બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે અધિકારીઓ, રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ તપાસ હાથ ધરી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે. હાલ બોટાદ પોલીસ, LCB, SOG સહિતની ટીમે આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી, ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેનનું એન્જિન અથડાતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી. ત્યાર બાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસને જાણ કરતા હાલ LCB, SOG સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે દેશમાં બે મહિનામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ 23મો પ્રયાસ છે. અગાઉ 20 સપ્ટેમ્બરે સુરતમાં રેલવે ટ્રેકમાં છેડછાડ કરવામાં આવી હતી. ટ્રેનોને પાટા પરથી ઉતારવાના વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલવે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ અંતર્ગત અકસ્માતનું ષડ્યંત્ર રચવા બદલ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવશે. આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે.
