ગાંધીનગર-દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં ગૃહપ્રધાન તરીકે નંબર ટુ પોઝિશન લઇ લેનાર અમિત શાહ નજીકના સમયમાં ગુજરાત આવી રહ્યાં છે. લોકસભાની ગાંધીનગર બેઠક પર અમિત શાહે ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે તેઓ ગાંધીનગરના મતદાતાઓનો આભાર માનવા માટે નારણપુરામાં જનસભા કરશે, અને રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ ઘડવા માટે પણ તેઓ બેઠક કરશે, એમ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે, જેની ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ ઘડવા માટે તેઓ બેઠક કરશે, તેમ જ કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો ભાજપમાં જોડાશે, તેવી શકયતા છે. બીજી તરફ કોંગ્રેસ પણ રાજ્યસભાની ચૂંટણી સુધી પોતાના ધારાસભ્યોને સાચવી રાખવા માટે કમરકસી છે. પણ અમિત શાહ રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસની છાવણીમાંથી કેટલાક ધારાસભ્યો ખેરવી લેશે. એટલે કે અમિત શાહ ગુજરાત આવશે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી જશે.
અમિત શાહ નારણપુરામાં જનસભાને સંબોધન કરીને મતદાતાઓનો આભાર માનશે. અમિત શાહ ચૂંટણી અગાઉ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયાં ત્યારે નારણપુરામાં સભા કરી હતી, અને એનડીએના તમામ નેતાઓ સભાના સ્ટેજ પર ઉપસ્થિત રહ્યાં હતાં અને ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું. એ જ સ્થળે અમિત શાહ સભા કરે તેવી શક્યતા છે.