અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે કેસો અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વાયરસને નાથવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સતત અને સખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના પણ કેટલાક કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, કોરોનાનો ચેપ કેટલા ઝડપથી ફેલાઈ રહ્યો છે તે તેના કેસ ડબલિંગ રેશિયો પરથી જાણી શકાય છે. જો આજ રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રહેશે તો અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 8 લાખને પાર થઈ શકે છે. તો સાથે જ 15 મે સુધી અમદાવાદમાં 50 હજારથી વધુ કોરોનાના કેસ થઈ શકે છે. અમદાવાદમાં 17 એપ્રિલના રોજ 600 કેસ હતા, જે 20 એપ્રિલના રોજ ડબલ થઈને 1200થી વધુ થઈ ગયા. 17થી 20 એપ્રિલ વચ્ચે કેસ ડબલિંગ વધી ગયું. દર ત્રીજા દિવસે કેસ ડબલ થતા હતા. હવે કેસ ડબલિંગ રેશિયો ચાર દિવસનો થઈ ગયો છે. દર ચોથા દિવસે કેસ ડબલ થાય છે. જો આમને આમ કેસ વધતા રહેશે તો 15 મે સુધીમાં લગભગ 50 હજાર કેસ થાય અને 31 મે સુધી 8 લાખ કેસ થઈ જાય. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 151 કેસ અને 7 લોકોના મોત થઈ ગયા છે.
કોરોના પીડિત વૃદ્ધોના થઈ રહેલા મોત મામલે તેમણે જણાવ્યું કે, ઘરની અંદર પણ સીનિયર સિટીઝનને જુદા રાખીએ. તેમની સંપૂર્ણ કાળજી લો. ઘરની દરેક વ્યક્તિ તેમના સંપર્કમાં વાત કરતા વખતે પણ કાળજી લે. સિનીયર સિટીઝનને ચેપ લાગે તો તેમના કેસમાં મૃત્યુદર વધુ છે. કોઈ પણ જાતની તેઓને બીમારી હોય તો તેઓને સાચવવાની બહુ જ જરૂરી છે. વાયરસનો ચેપ આગામી દિવસોમાં વધવાનો છે. અત્યાર સુધીના તમામ મૃત્યુ ગંભીર બીમારીવાળા થઈ રહ્યાં છે. તમામ અમદાવાદીઓને વિનંતી છે કે આ માટે તમે વિચારતા થાઓ. પોતપોતાના સ્તરે પગલા લેતા રહો. વડીલોને સાચવવાની યંગસ્ટર્સની જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં આજથી કરફ્યુ હટાવી લેવાયો છે. જેમાં અમદાવાદ શહેર પણ હતું. પરંતુ અમદાવાદમાં જાણે લોકોને કોઈ ડર રહ્યો નથી, તેમ કરફ્યુ હટ્યા બાદ લોકો બિન્દાસ ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. તો સાથે જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ ક્યાંય જોવા મળ્યું ન હતું. અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે, તેમ છતાં લોકો નિષ્કાળજી દાખવી રહ્યાં છે. આવામાં એ દિવસો દૂર નહી હોય કે જ્યાં દેશમાં અમદાવાદ શહેર કોરોનાના કેસ મામલે ટોપ પર પહોંચી જાય. ત્યારે તમામ લોકોએ સાવચેતી રાખવી તે બધા જ લોકોની નૈતિક જવાબદારી છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં જે કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો તેને હટાવી લેવામાં આવ્યો છે. ત્યારે કર્ફ્યુ હટતા જ લોકો ઘરની બહાર જરુરી કામ વગર નિકળતા આજે જોવા મળ્યા હતા. અહીંયા દરેક લોકોએ સમજવાની જરુર છે કે કર્ફ્યુ હટ્યો છે, લોકડાઉન નહી. કોરોના વાયરસ સામેની લડાઈ એક ગંભીર લડાઈ અને થોડી લાંબી લડાઈ છે. ત્યારે આ લડાઈ તમામ જનતાએ સાથે મળીને લડવી પડશે. કારણ વગર ઘરની બહાર ન નીકળવું અને બને તેટલી પોતાના પરિવારની પોતાના પરિવારના વડીલોની કાળજી લેવી અત્યંત જરુરી છે.