ગાંધીનગર– 26 ડિસેમ્બરને મંગળવારે સીએમ રુપાણીની ટીમ ગુજરાતે શપથગ્રહણ કર્યાં હતાં. જેમાં 9 કેબિનેટ પ્રધાનો અને 10 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા હતા. ત્રણ દિવસ બાદ કેબિનટની સૌપ્રથમ બેઠક મળી હતી, અને પછી ખાતાની ફાળવણી જાહેર કરાઈ હતી.
સીએમ વિજય રુપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે કેબિનેટની બેઠકમાં મગફળીની ખરીદી સતત ચાલુ રહે તે માટે ચર્ચા થઈ છે. ફી નિર્ધારણ અંગે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પછી તે દિશામાં ઝડપી અમલ થાય તે અંગે ચર્ચા થઈ છે. વિકાસની દિશામાં સરકાર સતત કામ કરતી રહેશે. સંસદમાં તલાકના મુદ્દાની ચર્ચા ચાલતી હતી, જેથી કેબિનેટની બેઠક કરવામાં મોડુ થયું છે.
ખાતાની ફાળવણી થાય તે અગાઉ તમામ પ્રધાનોની સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2માં ચેમ્બરની ફાળવણી સુદ્ધાં કરી દેવાઈ હતી. પણ ખાતાની ફાળવણી નહી થતાં થોડીક ચર્ચા હતી, અને ગાંધીનગરમાં રાજકીય વાતાવરણ પણ ગરમ હતું. નાણાં ખાતું કોને મળે છે અને ગૃહપ્રધાન તેમ જ શિક્ષણપ્રધાન કોણ બને છે, તેના પર સૌની નજર હતી.
જો કે કેબિનટની બેઠક પાંચ વાગ્યે મળવાની હતી, પણ ખાતાની ફાળવણીમાં અસંતોષ બહાર આવ્યો હતો. મંડાગાઠ પડતાં કેબિનટની બેઠક રાત્રે 9.15 વાગ્યે શરૂ થઈ શકી હતી. 5 વાગ્યાથી 9.15 વાગ્યા સુધી સીએમ રુપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બંધબારણે ચર્ચા કરી હતી. ખાતાની ફાળવણીને લઈને પડેલી મંડાગાઠ મુદ્દે કેન્દ્રીય નેતૃત્વ સાથે હોટ લાઈન પર વાત કરાઈ હતી. તેમના માર્ગદર્શન હેઠળ ખાતાની ફાળવણી કરાઈ હતી. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ વડોદરા અને સુરતના ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન નહી મળતાં નારાજગી જોવાતી હતી. તો બીજી તરફ ડેપ્યુટી સીએમને પણ ફાળવાયેલા ખાતાથી તેઓ નારાજ હતા. આમ તમામ આતુરતાનો અંત આવી ગયો છે.
મુખ્યપ્રધાન વિજય રુપાણી- સામાન્ય વહિવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ- ખનીજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ, કલાયમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમામ નિતીઓ અને કોઈ પ્રધાનોને ન ફાળવેલ હોય તેવી તમામ બાબતો
કેબિનેટ પ્રધાન- ખાતાંની ફાળવણી
(1) ડેપ્યૂટી સીએમ નિતીન પટેલ- માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના
(2) આર. સી. ફળદુ- કૃષિ, ગ્રામ વિકાસ, મત્સય ઉદ્યોગ, પશુપાલન, વાહન વ્યવહાર
(3) ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા-શિક્ષણ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઠ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન
(4) કૌશિકભાઈ પટેલ- મહેસુલ
(5) સૌરભભાઈ પટેલ- નાણા અને ઊર્જા
(6) ગણપત વસાવા- આદિવાસી વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાલ કલ્યાણ
(7) જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા- અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત, કુટિર ઉદ્યોગ અને લેખન સામગ્રી
(8) દિલીપકુમાર વીરાજીભાઈ ઠાકોર- શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ
(9) ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર- સામાજિક અને ન્યાય અધિકારિતા, (અનુસુચિત જાતિ કલ્યાણ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ સહિત)
રાજ્યકક્ષાના પ્રધાનો- ખાતાંની ફાળવણી
(1) પ્રદીપસિંહ જાડેજા- ગૃહ મંત્રાલય, ઉર્જા, વૈધાનિક અને સંસદીય બાબત, કાયદો, ન્યાય તંત્ર(રાજ્ય કક્ષા), પોલીસ હાઉસીંગ બોર્ડર સિક્યુરિટી, સિવિલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વૈચ્છીક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો)
(2) પરબતભાઈ પટેલ- સિંચાઈ, પાણી-પુરવઠા
(3) પરસોત્તમ સોલંકી- મતસ્ય ઉદ્યોગ
(4) બચુભાઈ ખાબડ- ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન
(5) જયદ્રથસિંહ પરમાર- કૃષિ વિભાગ(રાજ્યકક્ષા), પંચાયત અને પર્યાવરણ(સ્વતંત્ર હવાલો)
(6) ઈશ્વરભાઈ પટેલ- સહકાર, રમતગમત, યુવક સાંસ્કૃતિક વિભાગ(સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર(રાજ્ય કક્ષા)
(7) વાસણભાઈ આહીર- સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
(8) વિભાવરીબહેન દવે- મહિલા, બાળ, કલ્યાણ વિભાગ, શિક્ષણ(પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ), યાત્રાધામ
(9) રમણલાલ પાટકર- વન અને આદિજાતી વિભાગ
(10) કિશોર કાનાણી(કુમાર)- આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ