જીટીયુ તરફથી રાજકોટ, અમદાવાદ અને સુરતમાં પેટન્ટ ક્લિનિકનું આયોજન

અમદાવાદ– વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઇડિયાને પ્રોડક્ટ કે સર્વિસમા રૂપાંતરિત કરવા પેટન્ટ તાલીમ આપવામાં આવનાર છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી હાથ ધરવામાં આવી રહેલી યોજના હેઠળ રાજકોટ, અમદાવાદ અને સુરતમાં પેટન્ટ ક્લિનિકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. નવીન શેઠના માર્ગદર્શન હેઠળ રાજકોટની એવીપીટીઆઈ કોલેજમાં બે દિવસના પેટન્ટ ક્લિનિક અંતર્ગત વિદ્યાર્થીઓને પેટન્ટ સર્ચ કેવી રીતે કરવું અને પેટન્ટ અરજીનો ડ્રાફ્ટ કેવી રીતે તૈયાર કરવો તેની તાલીમ આપવામાં આવી હતી. જીટીયુના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટરના વડા પ્રોફેસર અમિત પટેલે અન્ય નિષ્ણાતો સાથે મળીને વિદ્યાર્થીઓને આ બાબતની તાલીમ આપી હતી.

કાર્યક્રમના બીજા દિવસે અરજી દાખલ કરવા આવશ્યક ડ્રાફ્ટ પ્રોવિઝનલ અથવા અરજી કેવી રીતે દાખલ કરવી તેની તાલીમ આપવામાં આવી હતી. જીટીયુ ઈનોવેશન તરફથી પેટન્ટ ક્લિનિક શ્રેણી અંતર્ગત આવા અન્ય કાર્યક્રમો અમદાવાદ અને સુરતમાં પણ યોજવામાં આવશે. સુરતમાં આવો કાર્યક્રમ ૨૩ અને ૨૪ જાન્યુઆરીના રોજ યોજાશે. અમદાવાદમાં પેટન્ટ ક્લિનિક આગામી ચોથી અને પાંચમી જાન્યુઆરીના રોજ યોજાશે. આ તાલીમ કાર્યક્રમ જીટીયુની વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે.

આઈપીઆર નીતિમાં કેન્દ્ર સરકારે કરેલા ફેરફારો અનુસાર હવે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોએ પ્રોફેશનલ ફી નહિ ચૂકવવી પડે. તેઓને સચોટ માર્ગદર્શન મળી રહે તેના માટે આઈ પી ફેસીલિટેટરની વ્યવસ્થા અમલમાં રહેશે. પેટન્ટ ફાઈલ કરવામાં ચૂકવવી પડતી સરકારની ફીમાં સ્ટાર્ટ અપને ૮૦ ટકા રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ શરૂ કરવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકોને મૂંઝવણમાં માર્ગદર્શન પૂરૂં પાડવા પેટન્ટ એજન્ટ અને એટર્નીની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

સામાન્ય રીતે કોઈપણ પેટન્ટની પ્રોસેસ શરૂ કરીએ તો એક્ઝામમાં બે-ત્રણ વર્ષ લાગે એટલો બેકલોગ હોય છે, પણ કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ માટે રાહત આપીને તે એક્સપેડિટેટ એક્ઝામ છ મહિનામાં થઈ જાય એવી વ્યવસ્થા કરવાની આ નીતિમાં કરવામાં આવી છે. આવા સંજોગોમાં દરેક પેટન્ટ ક્લિનિકમાંથી દસ-પંદર ઈનોવેટીવ આઈડિયાને પેટન્ટ મળે તેના માટે પાયાની તાલીમ પૂરી પાડવા આવા કાર્યક્રમોનું આયોજન રાજ્યના ત્રણ શહેરોમાં પહેલીવાર કરવામાં આવી રહ્યું છે, એમ ડૉ. શેઠે જણાવ્યું હતું.