અમદાવાદઃ રાજ્યની સ્પેશિયલ કોર્ટમાં 2002નાં રમખાણો દરમ્યાન નરોડા ગામમાં અલ્પસંખ્યક સમુદાયના 11 સભ્યોની હત્યાના કેસમાં આજે સુનાવણી થઈ હતી. આ કેસના આરોપીઓમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની અને બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગી પણ સામેલ છે. કોર્ટે આ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. 21 વર્ષ પછી કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં તમામ આરોપીઓને છોડી મૂકવામાં આવતાં તમામ આરોપીઓની આંખમાં ખુશીના આંસુ આવ્યાં હતાં. બજરંગીના વકીલે કહ્યું કે આ કેસમાં કુલ 86 આરોપીઓ હતા, પરંતુ તેમાંથી 17 લોકોનું સુનાવણી દરમિયાન મોત થઈ ગયું છે.
નરોડા ગામ હત્યાકાંડને 21 વર્ષ પૂરાં થયાં છે. આ કેસમાં 100થી વધુ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. આ હત્યાકાંડમાં ચાર મહિલા સહિત 11 લોકોનાં મોત થયાનો આરોપ છે. માયા કોડનાની અને જયદીપ પટેલ કોર્ટ પહોંચ્યાં છે તેમ જ અન્ય આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. કોર્ટ બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે મિડિયાને કોર્ટની અંદર પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કોર્ટમાં પાંચ એપ્રિલ સુધીમાં સુનાવણી પૂરી થઈ ચૂકી હતી.
આ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદે સભા), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ રમખાણો), 120 બી (ગુનાહિત કાવતરું) હેઠળ આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. અને 153 (હુલ્લડો માટે ઉશ્કેરણી) જેવી કલમો હેઠળ ગુનો નોંધાયેલા છે.
નરોડા ગામમાં પણ પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે, નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. નરોડા ગામ હત્યાકાંડ કેસમાં પોલીસે જે-તે સમયે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. એમાં પૂર્વ મંત્રી માયા કોડાનાની સહિત 69 આરોપી સામે સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.
શું હતી આખી ઘટના?
27 ફેબ્રુઆરી 2002ના રોજ રાજ્યના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પ્રત્યાઘાતરૂપે 28 ફેબ્રુઆરી 2002એ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનોમાં 28 ફેબ્રુઆરીએ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ છે.