આરાધ્યા બચ્ચન વિશે ખોટા સમાચારઃ દિલ્હી હાઈકોર્ટે યૂટ્યૂબની ઝાટકણી કાઢી

નવી દિલ્હી/મુંબઈઃ બોલીવુડ કલાકાર દંપતી એશ્વર્યા અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યાનાં આરોગ્ય વિશે યૂટ્યૂબ પર નકલી સમાચારો પ્રસારિત થયા એ બદલ દિલ્હી હાઈકોર્ટે યૂટ્યૂબ કંપનીની આજે ઝાટકણી કાઢી છે. આરાધ્યા અંગેના ફેક ન્યૂઝને તાત્કાલિક દૂર કરવાનો કોર્ટે તમામ ચેનલોને આદેશ આપ્યો છે અને આવા સમાચાર અને વિડિયો પ્રસારિત કરવાનું ચાલુ રાખવા સામે કડક ચેતવણી આપી છે.

11 વર્ષીય આરાધ્યાએ એમ દર્શાવીને કેસ કર્યો હતો કે પોતે સગીર વયની છે અને પોતાની વિશેના ખોટા સમાચારો દર્શાવનાર મિડિયાને કોર્ટ રોકે. આ અરજી પરની સુનાવણીમાં ન્યાયમૂર્તિ સી. હરિ શંકરે યૂટ્યૂબની અનેક ચેનલો અને એમનાં સહયોગીઓની ઝાટકણી કાઢી હતી અને આ પ્રકારના ફેક ન્યૂઝ બતાવવાનું બંધ કરવાની નોટિસ આપી હતી.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી આરાધ્યાએ કરેલા આ કેસમાં યૂટ્યૂબની માલિક કંપની ગૂગલ તથા કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે અયોગ્ય હોય એવી તમામ સામગ્રી, વિડિયો કે ક્લિપ્સને દર્શાવવા પર પ્રતિબંધ મૂકી દે. ‘દરેક બાળક માન અને મોભા સાથે જિંદગી જીવવાને હકદાર છે પછી તે બાળક કોઈ સેલિબ્રિટીનું હોય કે સામાન્ય  નાગરિકનું. કોઈ પણ બાળક વિશેનાં માનસિક કે શારીરિક આરોગ્ય અંગેની માહિતી ફેલાવવાને કાયદાના શાસનમાં કોઈ પ્રકારની છૂટ નથી.’