આમ તો સોશિયલ મીડિયા પર મોટાભાગે નેતા, અભિનેતા, સ્પોર્ટસ સ્ટાર કે એવી જાણીતી સેલીબ્રિટીઝ કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતી હોય છે અને એમને લઇને અવનવા જોક્સ, મીમ્સ વાઇરલ થતા રહેતા હોય છે, પણ આ બધાની વચ્ચે એક વ્યક્તિ એવી પણ છે કે જે નથી નેતા, નથી અભિનેતા અને તો પણ એ આજકાલ સોશિયલ મિડીયામાં છવાયેલા રહે છે.
એમનું નામ છે અંબાલાલ પટેલ. હા, એ પેલા જાણીતા જ્યોતિષી અંબાલાલ પટેલ. આઇપીએલની ફાઇનલ હોય કે બીજો કોઇ મહત્વનો બનાવ હોય, એમાં વરસાદનું કે બીજુ કોઇ વિઘ્ન આવે એટલે સોશિયલ મિડીયામાં જોક ફરતા થઇ જાયઃ અંબાલાલ પટેલને પૂછો!
આ અંબાલાલ પટેલ એમની આગાહીઓ, ખાસ કરીને વરસાદને લગતી આગાહીઓને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. અગાઉ ધરતીકંપ અને પૂર જેવી એમની ઘણી આગાહીઓ સાચી પડી હોવાનું માનવામાં આવે છે એટલે આજકાલ આગાહી શબ્દ સાંભળતા જ લોકોને તરત અંબાલાલ પટેલ યાદ આવે છે. ગાંઘીનગરમાં રહેતા અંબાલાલ દામોદરદાસ પટેલને લોકો અંબાલાલકાકા કહીને સંબોધે છે.
છેવટે સોશિયલ મિડીયામાં છવાયેલા આ અંબાલાલ પટેલ છે કોણ?
1 સપ્ટેમ્બર, 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાતલ ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા અંબાલાલકાકાએ આણંદસ્થિત બી.એસ.કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચર બીએસસી કર્યુ. ત્યાર પછી 1872માં ગુજરાત સરકાર બીજ પ્રમાણન એજન્સી અમદાવાદમાં બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા. એ પછી મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ નિભાવી. બીજ સુપરવાઇઝર ઉપરાંત સેકટર 15 માં ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી અને જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરીમાં ફરજ બજાવી 2005 માં એ નિવૃત થયા.
તો પછી ખેતીના આ નિષ્ણાત હવામાનની આગાહી કરતા ક્યારથી થઇ ગયા?
જ્યોતિષી અને ખાસ કરીને હવામાન નિષ્ણાત બનવા પાછળની સફર વિશે વાત કરતા અંબાલાલ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે, ‘મારા પિતાજીને પંચાગો અને ધાર્મિક પુસ્તકોમાં રસ હતો. શરૂઆતમાં તો મને આ બાબતમાં બહુ રસ પડતો નહોતો, પણ હું જયારે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયો ત્યારે કૃષિ પાકને લઇને બધા ચર્ચા કરતા. સારા પાક માટે વરસાદની જરૂરીયાત હોય છે. કૃષિ પાક અને વરસાદની ચર્ચા સાંભળતો ત્યારે મને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી જો ખેડૂતોને પહેલેથી મળે તો તેમને ઘણી મદદ થઇ શકે. એ પછી મેં જયોતિષશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહીસંહિતા જેવા જુદા-જુદા ગ્રંથોમાંથી જ્યોતિષની દ્ધષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કેમ ભાખવું તેનું જ્ઞાન મેળવ્યું.’
અંબાલાલ પટેલે પ્રથમ આગાહી 1980માં કરી હતી. ત્યારથી લઇને આજસુધીમાં એ તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. ગરમી, વરસાદ, ઠંડી, વાતાવરણમાં આવનાર બદલાવ, અતિવૃષ્ટિ, દુકાળ અને ભૂકંપ જેવી અનેક આગાહી એ કરતા આવ્યા છે. સાથે સાથે જયોતિષને લગતા સામયિકો અને દૈનિકોમાં પંચાગ અને અન્ય વિષયો પર લેખો પણ લખે છે.
પરંતુ જે આગાહીના કારણે એમનું નામ સૌથી વધુ ચર્ચાતુ બન્યું એ હતી ગુજરાતના ભૂકંપને લઇને એમણે કરેલી આગાહી. એમણે જ્યારે ભૂકંપની આગાહી કરી ત્યારે સરકારી તંત્ર દોડતુ થઇ ગયું હતુ. એમની ધરપકડ પણ કરવામાં આવેલી.
જો કે એવું પણ નથી કે એમણે કરેલી તમામ આગાહી સાચી જ પડી હોય. પોતે કરેલી હોય અને ખોટી પડી હોય એવી આગાહીઓ વિશે વાત કરતા અંબાલાલકાકા કહે છે, 1985થી લઇને 1987માં દુકાળ પડ્યો તે સમયે મેં જે આગાહી કરી હતી તે અસફળ રહી હતી.
હવામાન નિષ્ણાંત તરીકે નામના મેળવી ચૂકેલા અંબાલાલ પટેલને ઇન્ટરનેશનલ જ્યોતિષ સંસ્થા, અને સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા જેવી સંસ્થાઓ તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી જેવા અનેક એવોર્ડઝ અને સમ્માન મળ્યાં છે.
હાલ 76 વર્ષની ઉંમરે પણ અડીખમ રહીને એ લોકોની મદદ માટે તત્પર રહે છે. પત્નીનું કોરાનાકાળમાં મુત્યુ થયા પછી હાલ ગાંધીનગરમાં એકલા જ રહે છે. સંતાનોમાં બે પુત્ર અને એક પુત્રી છે. મોટા પુત્ર ડો. રાજેન્દ્ર પટેલ અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપ્યા પછી હાલમાં ધ્રાંગઘ્રાંમાં બાળકોની હોસ્પિટલ ચલાવે છે. બીજા પુત્ર સતીષ પટેલ ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. દીકરી અલ્કા પટેલ પણ ડોકટર છે.
સોશિયલ મીડિયામાં આવતી આગાહી વિશે પોતાનો રોષ વ્યક્ત કરતા અંબાલાલ પટેલ કહે છે, ખતરનાક શબ્દ એ મીડિયાનું સર્જન છે, મીડિયા પોતાની ટીઆરપી વધારવા માટે આ રીતની વાત કરે તે બિલકુલ યોગ્ય નથી. ડરામણું, બિહામણું, ખતરનાક જેવા શબ્દોની જનસમુદાય પર માઠી અસર થાય છે. મીડિયા આ રીતના શિર્ષક બાંધે છે તે બિલકુલ યોગ્ય તો નથી.
(હેતલ રાવ)
અંબાલાલ પટેલના વિડીયો ઇન્ટરવ્યૂ માટે કરો ક્લિક: