સુરત – ગુજરાતના આ ડાયમંડ સિટીએ આંતરરાષ્ટ્રીય એવિએશન નકશા પર સ્થાન મેળવી લીધું છે. અહીં પ્રથમ ફ્લાઈટ શારજાહથી આવી પહોંચી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન 75 પ્રવાસીઓને લઈને શારજાહથી ગઈ કાલે સવારે આવી પહોંચ્યું હતું.
પ્રથમ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 172 સંયુક્ત આરબ અમિરાતના શારજાહથી શનિવારે સવારે 11.30 વાગ્યે સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી. 75 પ્રવાસીઓ સાથેનું એ વિમાન બોઈંગ 737-800 હતું.
એર ઈન્ડિયાની સસ્તા ભાડામાં આંતરરાષ્ટ્રીય શહેરો ખાતે સફર કરાવતી એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસ માટે સુરત શહેર દેશમાં 20મું ડેસ્ટિનેશન બન્યું છે.
180 પ્રવાસીઓ સાથે રીટર્ન ફ્લાઈટ IX 171 શારજાહ માટે રવિવાર મધરાતે 12.47 વાગ્યે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી રવાના થઈ હતી.
એર ઈન્ડિયા એક્સપ્રેસ આ નવા રૂટ પર અઠવાડિયામાં ચાર વખત ફ્લાઈટ ઓપરેટ કરશે.
ભારતમાંના શહેરો અને અખાતના દેશો વચ્ચે એર ઈન્ડિયા એક્સપ્રેસનું સુરત-શારજાહ 47મું નોન-સ્ટોપ ડાયરેક્ટ ડેસ્ટિનેશન બન્યું છે.
ભારત-અખાતના દેશોના રૂટ પર કુલ એર ટ્રાફિકમાં એર ઈન્ડિયા એક્સપ્રેસનો હિસ્સો 14 ટકાથી વધુ છે.
અખાતના દેશો ઉપરાંત આ એરલાઈન દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો ખાતે તેમજ ડોમેસ્ટિક રૂટ્સ ઉપર પણ સેવા બજાવે છે. આ માટે એરલાઈન પાસે 25 બોઈંગ 737 વિમાનોનો કાફલો છે.