સુરત – નવસારીના સાંસદ સી.આર. પાટીલના અથાગ પ્રયાસોને પગલે હવે સુરતથી વધુ એક એરલાઈન કંપની દ્વારા સુરત-બેંગલુરુની વિમાન સેવાનો આરંભ થવાનો છે.
એર એશિયાના સીઈઓ દ્વારા આ સંદર્ભે એક ટ્વીટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુરતથી 15મી મેથી વિમાન સેવા શરૂ કરવામાં આવશે.
સુરતવાસીઓને વિમાન સેવાનો મહત્તમ લાભ મળે એ માટે સી.આર. પાટીલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેના ભાગરૂપે સુરત એરપોર્ટથી અત્યાર સુધીમાં ચાર વિમાન કંપનીઓ દ્વારા દેશના અલગ અલગ શહેરોને સાંકળતી વિમાન સેવાનો આરંભ થયો છે. હવે આગામી 15 મેથી એર એશિયા દ્વારા સુરત-બેંગલુરુ વિમાન સેવા શરૂ કરવામાં આવશે.
એર એશિયાના સીઈઓ અમર અબ્રોલે એવી આશા વ્યક્ત કરી છે કે એર એશિયા પ્રારંભિક તબક્કે સુરત-બેંગલુરુ વિમાન સેવા શરૂ કર્યા બાદ તબક્કાવાર દેશના અન્ય શહેરો સાથે પણ સુરતથી વિમાન સેવા શરૂ કરશે.
કર્ણાટકની રાજધાન બેંગલુરુ સાથે સુરતની વિમાન સેવા શરૂ થવાથી સુરતના કાપડ અને હીરા ઉદ્યોગને બહોળો લાભ થશે. બેંગલુરુ દેશનું આઈટી હબ હોવાને કારણે શહેરના ઉદ્યોગસાહસીઓ માટે પણ આ વિમાન સેવા લાભદાયી પુરવાર થશે.
સાંસદ સી.આર. પાટીલની રજૂઆતને પગલે હાલમાં જ એર ઉડિશા દ્વારા સુરત-ભાવનગર-સુરત વિમાન સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં આ એરલાઈન દ્વારા સુરત અને ઓડિશા રાજ્યના અન્ય શહેરો વચ્ચે પણ વિમાન સેવાનો આરંભ કરવામાં આવશે.