અમદાવાદ: નાનકડા એવા રોપડા ગામમાં ભગવતીબેન આમ તો ઓછું ભણેલા છે પરંતુ ૪ બાળકોને ઘરેથી જ ગૃહકાર્ય કરાવે છે. એટલું જ નહીં પડોશમાં રહેતા તેમના ભાઈના અને અન્ય પરિવારના ૮ બાળકોને ઘરેથી જ ગૃહકાર્ય કરાવવાની જવાબદારી ઉપાડે છે. ભગવતીબેન રોપડા ગામના જાગૃત વાલીઓ પૈકીના એક છે કે, જેઓ પોતાના બાળકોને સમયસર બાળકોને ઘેરથી અભ્યાસ સાથે અન્ય પ્રવૃતિઓ પણ કરાવે છે. બાળકોને વાંચન લેખનની સાથે કેટલીક પ્રવૃત્તિને પણ કરી એક ઉત્તમ ઉદાહરણ રૂપી કાર્ય કરી રહ્યા છે.’
કોવિડ-19 વિશ્વ મહામારીના કપરા સમયમાં વિશ્વને ઘણું વેઠવું પડ્યું છે. આમાં શિક્ષણ પર ઘણી અસર થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ આવા કપરા સમયમાં પણ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે.
‘શાળા બંધ છે પણ શિક્ષણ નહીં…’ના ધ્યેય સાથે અમદાવાદ જિલ્લાની ગામડી પે સેન્ટર શાળાના શિક્ષકોએ એક વોટ્સએપ ગૃપ બનાવી બાળકોને કેવી રીતે કાર્ય કરવું તેના દરરોજ મેસેજ આપીને સમજાવવામાં આવે છે. કેટલા બાળકો કયા માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે…? તે જાણવા ફોન કોલ પણ કરવામાં આવે છે. બાળકોને ઘેર ઘેર જઈ હોમ લર્નિંગ સ્ટડી મટીરીયલ પૂરું પાડવાની સાથે સાથે પાઠ્યપુસ્તકો સાથે એકમ કસોટીની બુક પણ બાળક દીઠ પૂરી પાડી છે.
શાળાના આચાર્ય નિશીથભાઈ કહે છે કે, આજે ડિઝિટલ શિક્ષણની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે અમારી શાળાના શિક્ષકોએ આ નવતર પ્રયોગ કરી બાળકો અને વાલીઓને સહાયરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે. દૂરદર્શન ડીડી ગિરનાર પરથી પ્રકાશિત થનાર શૈક્ષણિક કાર્યક્રમ નિહાળવા માટે બાળકોના વાલી સાથે સંપર્ક કરવામાં આવે છે અને વોટ્સએપ ગ્રુપમાં યુટ્યુબ લીંક પણ મોકલવામાં આવે છે. બાળકો ડિજિટલ માધ્યમે હોમવર્ક પણ કરે છે.
બાળકો ઘરે રહી નોટબુક કે ચોપડીમાં જે અભ્યાસ કરે છે તે કાર્યનો ફોટો ગ્રુપમાં મંગાવી તેની ચકાસણી કરી બાળકોને માહિતગાર કરાય છે. બાળકો સાથે વિવિધ એપના માધ્યમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ સાથે કેટલીક વાતો જાણવા ઓનલાઇન શિક્ષણ પણ અપાઈ રહ્યું છે. જેમાં બાળકો જોડાઈને પોતાની રજૂઆત કરી શિક્ષણ પણ મેળવી રહ્યા છે.
બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય તે માટે ઓનલાઇન સમર કેમ્પ સાથે ‘નયા આવિષ્કાર કરે’ જેવા કાર્યક્રમમાં જોડી તેઓના વિસ્તારની સમસ્યા જાણી તેનો ઉકેલ મેળવી શકે છે. વિદ્યાર્થીના ઘરનો સંપર્ક કરી તેઓને માહિતી આપી કાર્ય કરવા પ્રેરિત કરાય છે.
ગામના જશુભાઈ અને તેમનો પરિવાર ખેતરમાં રહે છે. ત્યારે તેઓના પાસે સ્માર્ટ ફોન ન હોવાથી બાળકોએ અભ્યાસમાં તકલીફ પડે છે અને ખેતર વિસ્તારમાં લાઈટની આવ-જા ચાલુ હોવાથી ટીવી કાર્યક્રમ વ્યવસ્થિત જોઈ શકાતો નથી તેવામાં તેમની દીકરી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીની દક્ષા તેના નાના ભાઈ બહેન સાથે તેના પાડોશમાં રહેતા બાળકને પણ ઘેર રહી અભ્યાસ કરાવે છે. તેને મુશ્કેલ જણાય તો શિક્ષકનો સંપર્ક કરી માહિતી મેળવી લે છે.
આ સાથે શિક્ષકો દ્વારા દરરોજ શાળાએ જઈ બાળકોના સંપર્ક કરવાની સાથે ટીવી પર આવતા કાર્યક્રમ તેઓ પોતે પણ નિહાળે છે જેથી મૂલ્યાંકનમાં મદદરૂપ થાય છે. બસ સ્થિતિ ક્યારે સામાન્ય થાય અને શાળા બાળકોના કલરવથી ગુંજી ઊઠે તે તરફ સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.