30 કલાકના ઓપરેશન બાદ અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહાર ફરી શરૂ થયો

અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. અલગ અલગ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અમદાવાદમાં ચાલતા કામમાં બે દિવસ પહેલા અડચણ આવી હતી. અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ નજીક 23 માર્ચ (રવિવાર)ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 600 ટનની વિશાળકાય ક્રેન તૂટી હતી. અમદાવાદ-મુંબઈ ડાઉન લાઈન પર ક્રેન પડી હતી, જેના કારણે ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું. ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ક્રેનને ઉતારવાની અને રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી.

નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 300 માણસોની મદદથી 24 કલાકમાં ધરાશાયી થયેલી ક્રેનને ઉતારી લેવામાં આવી હતી. 750 ટનની એક ક્રેન અને 500 ટનની બે તેમજ 130 ટનની એક ક્રેનની મદદથી આ ક્રેનને ઉતારવામાં આવી હતી. ક્રેનને ઉતારી લેવાની કામગીરી મોડીરાત્રે પૂર્ણ કરી દેવામાં આવી હતી. 25 માર્ચને મંગળવારની વહેલી સવારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓએ રેલવે ટ્રેક અને ઇલેક્ટ્રિક ઓવર હેડ વાયર રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી.

આજે વહેલી સવારે છ વાગ્યાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર પૂર્વવત્ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 30 કલાક બાદ ભારતના સૌથી વ્યસ્ત રેલવે રૂટ પર ફરી એકવાર વાર ટ્રેન વ્યવહાર શરૂ થઈ ગયો હતો. જણાવી દઈએ કે, ક્રેન તૂટ્યાની 15 મિનિટ પહેલાં જ તેજસ ટ્રેન પસાર થઈ હતી, અને ગુડ્સ ટ્રેન સિગ્નલની રાહ જોતી હતી જો તેને સિગ્નલ મળ્યું હોત તો બીજી મોટી દુર્ઘટના સર્જાઈ હોત.