અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હવે અમદાવાદમાં વસ્ત્રાલ ગામ અને થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેનને થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે. 8 ડિસેમ્બરથી મુસાફરોને થલતેજ ગામ જવા માટે પણ મેટ્રોનો ઉપયોગ કરી શકશે. થલતેજ ગામની પહેલી ટ્રેન સવારે 6:20થી શરૂ થશે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે, જેમાં શહેરી ગતિશીલતા વધારવા માટે બહુવિધ લાઇન અને એક્સ્ટેંશનનો સમાવેશ થાય છે. પહેલો તબક્કો બે કોરિડોર ધરાવે છે અને તેમાં કુલ 32 સ્ટેશન છે, જેમાંથી 28 એલિવેટેડ છે અને 4 ભૂગર્ભ છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોર 20.91 કિમી લાંબો છે, જેમાં 14.40 કિમી એલિવેટેડ સેક્શન અને 6.6 કિમી અંડરગ્રાઉન્ડ સેક્શનનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોર 19.12 કિમી લાંબો છે અને તેમાં માત્ર એલિવેટેડ સેક્શનનો સમાવેશ થાય છે. પહેલાં તબક્કામાં માં બ્લુ લાઇન અને રેડ લાઇનનો સમાવેશ થાય છે. બ્લુ લાઇન થલતેજ ગામને વસ્ત્રાલ ગામ સાથે જોડે છે, જ્યારે લાલ લાઇન મોટેરા સ્ટેડિયમ અને APMC વચ્ચે ચાલે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજો તબક્કો ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરને વિસ્તારે છે. મુખ્ય લાઇન APMC થી મોટેરા સુધી વિસ્તારવામાં આવી છે જે મહાત્મા મંદિર સુધી છે, જ્યારે બ્રાન્ચ લાઇન GNLU થી શરૂ થાય છે અને ગિફ્ટ સિટીએ પૂરી થાય છે. રેલ લાઇનની કુલ લંબાઈ 28.2 કિમી છે, જેમાં 22.8 કિમી મુખ્ય લાઇન અને 5.4 કિમી શાખા લાઇનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઇન પર 20 સ્ટેશન અને બ્રાન્ચ લાઇન પર 2 સ્ટેશન છે.