NGO ચલાવતી માતાપુત્રીને સ્વામીનારાયણ મંદિરના પૂજારીએ માર્યો માર

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મંદિર પરિસરમાં એક એનજીઓની સંચાલક અને તેમની પુત્રીને માર મારવાના કેસમાં પોલીસે મંદિરના પૂજારી સહિત સાત લોકો સામે ગુનો નોંધ્યો છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં મેનેજમેન્ટ એન્ક્લેવમાં રહેતાં અનુરાધા રાકેશ શિંગવી એનિમલ વેલફેર માટે એનજીઓ ચલાવે છે, તેઓ મૂંગા પ્રાણીઓની સારવાર, અને તેમની દેખરેખ વગેરે જેવી પ્રવૃતિઓ આર.કે. ફાઉન્ડેશનના નામે ચલાવે છે. ગત શુક્રવારે અનુરાધા સવારે 7.00 વાગ્યે મંદિરની બહાર બીજા કુતરાઓને ખવરાવી રહ્યાં હતાં ત્યારે તેમણે પુત્રી અનુકૃતિને મંદિરના પાર્કિગ પ્લોટમાં ગલુડિયાની તપાસ કરવા મોકલ્યાં હતાં. તે વખતે મંદિરમાંથી બે વ્યક્તિ આવી પહોંચ્યાં હતાં. માતાપુત્રીનો આગ્રહ હતો કે ગલુડિયાનો જ્યાં જન્મ થયો છે તે ત્યાં જ રહેશે. આ મુદ્દે પૂજારીની પત્ની, માતા સહિતના લોકોએ અનુરાધા અને અનુકૃતિ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી.

શુક્રવારે મંદિરના પાર્કિંગ પરિસરમાં થયેલી તકરાર બાદ પૂજારી સહિતના શખ્સોએ માતાપુત્રીને માર મારી રૂમમાં પુરવાનો પ્રયાસ કર્યો હતો.

આ મારામારી દરમિયાન અનુરાધાની પુત્રી પોલીસને જાણ કરવા જતી હતી ત્યારે મહિલાઓએ તેને પકડી લીધી હતી જોકે, તે મહિલાઓને ધક્કો મારી રોડ ક્રોસ કરી જતી રહી હતી. આ દરમિયાન અનુરાધાને ઢસડી અને મંદિરમાં લઈ આવવામાં આવી હતી અને રૂમમાં પુરવાનો પ્રયાસ કરાયો હતો તેવામાં જ પોલીસ આવી પહોંચી હતી. આ બનાવમાં વસ્ત્રાપુર પોલીસે મંદિરના પૂજારીની પત્ની સહિત 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.