વાહન અને લાયસન્સ લગતી કામગરીને લઈ કોઈ એજન્ટને થોડા રૂપિયા આપી કામ કરવવાની પધ્તી હવે ભૂતકાળ બની જશે. કારણ કે, ગુજરાત હાઇકોર્ટે આરટીઓ કચેરીમાં ધક્કા ખાતા અરજદારોની હકીકતને વાચા આપી છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ આરટીઓને ફટકાર લગાવી હતી કે, એક નાનું કામ કરવા માટે છ- છ મહિનાનો સમય લાગે છે. જ્યારે તે જ કામ કોઈ એજન્ટને સોંપવામાં આવે તો સવારે સોંપેલું કામ સાંજ સુધીમાં થઈ જાય છે. એટલે કે, આરટીઓનું કોઈપણ કામ હોય તો એજન્ટ રાખવા ફરજિયાત થઈ ગયા હોય તેમ અરજદારો માટે પરિસ્થિતિ ઉદ્ભવી હતી.
ગુજરાત હાઇકોર્ટે કરેલી આ ફટકાર બાદ અમદાવાદ આરટીઓ કચેરી તંત્ર સફાળું જાગ્યું છે. હવે આરટીઓ કચેરીમાં અજાણતા એકથી બીજી બારી સુધી ધક્કા ખાવા નહીં પડે. આ સાથે કોઈ કામ ઝડપથી કરાવવા માટે એજન્ટને સોંપવું જરૂરી નહીં રહે, અરજદાર જાતે જ કચેરીમાં જઈને પોતાનું કામ કરાવી શકે છે. અત્યાર સુધીમાં અરજદારોને જાણ જ ન હતી કે, કયું કાર્ય કરાવવા માટે આરટીઓની કઈ બારી ઉપર જવું પડશે. તેથી એક બારી ઉપર બેસેલા સાહેબ બીજી બારીના સાહેબ પાસે મોકલે અને આમ જ ફક્ત એક નાનું કામ કરાવવા માટે અરજદારોના દિવસો વીતી જતા હતાં. પરંતુ હવે આરટીઓ કચેરીમાં ઠેર-ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. તથા કઈ બારી શું કાર્ય કરશે? તે પણ અરજદારોને સરળતાથી સમજાવી શકે તે પ્રકારે પણ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ આરટીઓ કચેરીની જૂની બિલ્ડિંગમાંથી ઓફિસ નવી બિલ્ડિંગમાં લાવી દેવામાં આવી છે, જેથી બે માળમાં આરટીઓ કચેરીનું વિભાજન થયું છે. આ બંને ઓફિસમાં ઠેર-ઠેર ફાઈન બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કયું કાર્ય કરવા માટે કઈ શાખામાં જવું પડશે, તે માટે પણ દરેક બારી ઉપર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. જેમ કે, ટ્રાન્સફર શાખા, વાહન શાખા, પરમિટ શાખા, નોન ટ્રાન્સપોર્ટ શાખા વગેરે વિવિધ શાખાઓ માટે ઠેર-ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.