જૂનાગઢઃ સાસણગીર એશિયાટીક લાયનોનું ઘર છે. હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે સાસણગીરના જંગલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે સિંહદર્શન માટે ઉમટી પડે છે. સાસણગીર એશિયાટીક સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એટલા માટે જ ડાલામથ્થાં સાવજને જોવા માટે અહીંયા પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. ત્યારે સાસણગીરના જંગલમાં 15 દિવસ બાદ વેકેશન પડી જશે.
ચોમાસાની સીઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન ૧૫ દિવસ બાદ પડી જશે. ચાર માસના વેકેશન દરમ્યાન સિંહ દર્શન કરાવતી જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે. પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે. ૧૫ જૂનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન પડવાનું છે. આ વેકેશન ૧ ઓકટોમ્બરે પુરૂ થશે. કારણ કે ચોમાસાની સિઝન સિંહો, દિપડા, હરણ, સાબર, ચીંકારા સહીતનાં મોટા ભાગના વન્યજીવો માટે સંવનન કાળ હોય છે. તેથી ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન અને સફારી માટે લઈ જતી જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે.
વળી ચોમાસાની સીઝન દરમ્યાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે જેથી વાહનો લઈને અવર જવર કરવી શકય નથી. પ્રવાસીઓને સિંહદર્શન માટે સાસણમાં માત્ર દેવળીયા પાર્ક જ ખુલ્લુ રાખવામાં આવે છે. અને તે પણ વરસાદ ન હોય તો જ. જો ભારેવરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. વેકેશનના છેલ્લા પંદર દિવસ બાકી હોવાથી સાસણમાં પ્રવાસીઓની ભીડ રહે છે. પંદર દિવસ બાદ સાસણની બજારો પણ સુમસામ થઈ જશે.