ગાંધીનગર- એકાકી જીવન જીવતાં વૃદ્ધો જો ગાંધીનગરમાં રહેતાં હોય તો તેમને ઘેરબેઠાં સમયસર તબીબી સારવાર મળવાની સુવિધા શરુ થઇ ગઇ છે. ‘વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત’ પાયલોટ પ્રોજેકટ આજથી શરુ થઇ ગયો છે. આ યોજના હેઠળ આજ સુધીમાં 20થી વધુ વયસ્કોએ રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે.જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, ગાંધીનગર અને રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ પ્રોજેકટ હેઠળ આજે એક ડૉકટર, એક નર્સીંગ સ્ટાફ અને એક એટેન્ડન્ટની ટીમ દ્વારા રજિસ્ટર્ડ થયેલ વયસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં વયસ્કનું બી.પી., વજન, સુગર, કાર્ડિયોગ્રામ, ટેમ્પરેચર શરીરમાં ઓક્સિજનની માત્રા વગેરેની તપાસ આનુષાંગિક સાધનો દ્વારા કરવામાં આવી હતી.આ પ્રોજેકટ અંતર્ગત દર ૧૫ દિવસે વયસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. બિપીન નાયક અને આરએમઓ ડૉ. આર.એમ.ચૌહાણ દ્વારા આ પાયલોટ પ્રોજેકટનો શુભારંભ કરાયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ આજે સીનિયર મેડિકલ ઓફિસર ડૉ. પરેશ ગજ્જર અને તેની ટીમ દ્વારા રજિસ્ટર્ડ થયેલ વયસ્કોના ઘરે જઇને તેઓની તપાસ કરાઇ હતી.