અમદાવાદઃ યાત્રાધામ અંબાજીમાં હાલમાં જ મોહનથાળ વિવાદ બાદ હલકી ગુણવત્તાના ઘીનો ઉપયોગ થતો હોવાનો મામલો ચગ્યો હતો, જેમાં ઘણા વિવાદો સર્જાયા હતા. આ વિવાદ સામે આવ્યા ઘણી તપાસ પણ ચાલી હતી. યાત્રાધામ અંબાજીમાં માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી સપ્લાય થતું હતું. આ ટ્રેડર્સના માલિકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ ઘટના અંગે પોલીસને સૂચના મળતાં જ પોલીસની ટીમે તપાસ શરૂ કરી દીધી છે. હાલ પોલીસ તપાસમાં કોઈ સુસાઇડ નોટ સામે આવી નથી. જોકે પોલીસ જતીન શાહે દબાણને કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું માની રહી છે.
ગયા ઓક્ટોબરમાં અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાના ઘીમાં ભેળસેળ થતું હોવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં સેમ્પલ ફેલ જતાં ફૂડ વિભાગે 180 ડબ્બા જપ્ત કર્યા હતા. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અગાઉ પ્રસાદ બનાવવા માટે વાપરવામાં આવેલા ઘીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં ફૂડ વિભાગે લીધેલા આ સેમ્પલ ફેલ જતાં ઘીના 180 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા.
તેમની આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વેપાર-ધંધાને કારણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. નારોલ વિસ્તારમાં આવેલા રહેણાક મકાનમાં જ ગળેફાંસો ખાધો છે. આપઘાતને લઈ નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે.