અમરેલી પાસે ગંભીર અકસ્માતઃ ટ્રક અને બસને અલગ કરવા જેસીબીની મદદ લેવી પડી

અમરેલીઃ રાજ્યમાં દીનપ્રતિદીન અકસ્માતોની સમસ્યા વધી રહી છે. અને આની પાછળ ક્યાંકને ક્યાંક વાહન ચાલકોની બેદરકારી કારણભૂત છે. તો અમરેલીના સાવરકુંડલાના વરસડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વરસડા ગામ નજીક સાવરકુંડલા-ઉંઝા રૂટની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે તો 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો અકસ્માતની જાણ થતા જ પોલીસ અધિકારી સહિત એસટી નિગમના કર્મચારીઓ સહિત અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત થતા જ ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટના અંગે વાત કરીએ તો આજે સવારે આશરે પાંચ થી છ વાગ્યાના સુમારે અમરેલીના સાવરકુંડલાના વરસડા ગામ નજીક એસટી બસ સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતા જ બસમાં સવાર આશરે પાંચ થી છ મુસાફરો સીટ વચ્ચે ફસાઈ ગયા હતા ત્યારે આ તમામ લોકોની હાલત હાલ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક અને બસને અલગ કરવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.