અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન એલ.એમ. ફાર્મસી કૉલેજની વિદ્યાર્થિની અંકિતા યવલકર પ્રતિષ્ઠિત ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટીટ્યુડ ટેસ્ટની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં અવ્વલ સ્થાન હાંસલ કરીને ઝળકી છે. આ વિદ્યાર્થિની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું અને સમગ્ર રાજ્યનું ગૌરવ બની છે.
જીપેટની પરીક્ષા દેશભરના 40 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી. વર્ષ 2018 સુધી આ પરીક્ષા ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન તરફથી લેવામાં આવતી હતી. પરંતુ આ વખતથી પરીક્ષા નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ લેવાની શરૂઆત કરી છે. તેમાં ગુજરાતની વિદ્યાર્થિનીએ મેદાન માર્યું છે. આ પરીક્ષાના માર્ક એમ.ફાર્મમાં એડમિશન માટે તેમજ ફાર્મસીમાં સંશોધન કરવા મળતી નાણાકીય સહાયમાં પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
ફાર્મસી કૉલેજોના વિદ્યાર્થીઓ હવે રાષ્ટ્રીય સ્તરે પણ ઝળકતા થયા છે તે બાબત ખરેખર નોંધપાત્ર છે અને તેના માટે એલ.એમ.કૉલેજ ઑફ ફાર્મસીના પ્રિન્સીપાલ ડૉ. એમ.ટી. છાબરીયા અને તેમની ટીમ અભિનંદનને પાત્ર છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.