રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના એંધાણ, હવામાન વિભાગે આપી આગાહી

અમદાવાદઃ છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતમાં વાઈ રહેલા બર્ફીલા પવનો શાંત થયા છે અને અત્યારે લગભગ પંખો ચાલુ કરવો પડે એ રીતે તાપમાનમાં બદલાવ આવ્યો છે. પરંતુ આ પ્રકારનું વાતાવરણ પરિવર્તિત થતા એવું બધા એવું માની રહ્યા છે કે લગભગ હવે ઠંડી જવાના આરે છે.

પરંતુ પ્રાપ્ત થતી વિગતો અનુસાર હજી ઠંડીએ વિદાય લીધી નથી. આજે સાંજથી ઠંડી ફરીએકવાર ગુજરાતીઓને જકડવાની તૈયારીમાં છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર રાજસ્થાનના વિસ્તારમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ઠંડા પવનો ગુજરાત તરફ ગતી કરશે.

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં ગુરુવાર સાંજથી જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધી અને મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ તો 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. તો આ સીવાય રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે 20થી 25 કિલોમીટરની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. તોફાની પવનો સાથે ઠંડા પવનો જમીન તરફ આવશે અને તેથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. એટલે જે લોકોએ ગરમ કપડાંઓને માળિયે ચઢાવવાની તૈયારીઓ કરી લીધી હોય, તે લોકો સાવધાન થઈ જાય, કારણ કે હજી ઠંડીનો એક રાઉંડ બાકી છે.