અમદાવાદઃ 2 દિ’માં 46ની ધરપકડ, આ ગોરખધંધાવાળાની ખેર નથી

અમદાવાદ– શહેરના થલતેજ અને પ્રહલાદનગર વિસ્તારમાંથી બે બોગસ કોલ સેન્ટર ઝડપાયા છે. જેમાં કુલ 46થી વધારે યુવકયુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે થલતેજના એલિગન્સમાંથી ઝડપાયેલ કોલ સેન્ટરમાંથી 20 યુવાનો અને 1 યુવતીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હજી બે લોકો ફરાર છે. ઘટનાસ્થળેથી પોલીસે મોબાઈલ, લેપટોપ, ટુ-વ્હીલર, ફોર વ્હીલર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જ્યારે પ્રહલાદનગરના પેલેડિયમ કોમ્પલેક્સમાંથી ઝડપાયેલ કોલ સેન્ટરમાંથી 25થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી પોલીસે મોબાઇલ અને લેપટોપ જપ્ત કર્યા છે.

થલતેજમાંથી ઝડપાયેલ કોલસેન્ટર મામલે મળતી માહિતી પ્રમાણે પોલીસને મોડી રાતે બાતમી મળી હતી કે થલતેજના અર્થ એલિગન્સમાં એક કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે ત્યાં દરોડા પાડતાં ત્યાંથી 23 લોકોની સાથે મોબાઈલ, લેપટોપ, ટુ-વ્હીલર, ફોર વ્હીલર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓ કેનેડા અને અન્ય દેશના યુવાનોને ધમકાવીને રૂપિયા પડાવતાં હતાં. હાલ પોલીસ આ ઝડપેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે તેઓ આ લોકોની લીડ ક્યાંથી મેળવતા હતાં. આ ઉપરાંત તેઓ કયા હવાલા મારફતે આ રૂપિયા અન્ય દેશમાંથી અહીં મંગાવતા હતાં.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રામોલમાં એક કોલ સેન્ટર ઝડપાયું હતું. જ્યાથી પોલીસે 8 શખ્સની ધરપકડ કરી હતી. જેઓ અમેરિકન નાગરિકોને આઇ.આર.એસ અધિકારીની ઓળખ આપીને ધમકીઓ આપીને પૈસા પડાવતા હતા. તો મંગળવારે શેરબજારમાં રોકાણ કરી વધુ નાણાં અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના 9 લોકોની ધરપકડ પોલીસે કરી હતી. આ તમામ લોકો ગુજરાત સિવાયના રાજ્યોમાં ફોન કરી શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ પડાવતા હતા.