વિદ્યાનગરઃ દેશમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને સામાન્ય જનજીવન સ્થપાઈ રહ્યું છે, ત્યારે જીવનને નવા ચેતના અને ઊર્જાથી નવપલ્લતિ કરવાના પ્રયાસ રૂપે ગણપત યુનિવર્સિટીએ એ તેની વિશેષ વ્યાખ્યાનમાળાના ભાગરૂપે 12 ફેબ્રુઆરીએ ‘જીના ઉત્સવપૂર્વક’ નામની વિશેષ વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. જેના વ્યાખ્યાતા વિશ્વવ્યાપી વૈચારિક ઝુંબેશ ‘જીવનવિદ્યા’ના પ્રબોધક આદરણીય સોમ ત્યાગીજી હતા.
જીવન વિદ્યા પ્રેરિત મધ્યસ્થ દર્શનના વિચારને મજબૂત કરવા, એનો પ્રચાર-પ્રસાર કરવા સ્થપાયેલી સંસ્થા અભ્યુદય સંસ્થાનના સ્થાપક સભ્ય અને પ્રબોધક સોમ ત્યાગીજી વર્ષ 1999થી પોતાનું જીવન સમર્પિત કરી આ અભિયાન ચલાવી રહ્યા છે અને છત્તીસગઢના દુર્ગ જિલ્લાના અછોતીમાં નિવાસ કરે છે તેમ જ મધ્ય પ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને ઉત્તરાખંડમાં આ વિચારને પ્રસારિત કરે છે.
પોતાની જાત, કુટુંબ, સમાજ અને કુદરત સાથે સમન્વય સાધી જીવનમાં સંવાદિતા સાધવાની ફિલસૂફી એટલે જીવન વિદ્યા. સાત દિવસમાં 200થી વધુ જીવન વિદ્યાની શિબિરોમાં પ્રબોધન કરી ચૂકેલા સોમ ત્યાગીજી કહે છે કે જિંદગીનું સરનામું જ ખોટું હોય તો આપણ યાત્રા ખોટી જગ્યાએ પહોંચે છે.
‘જીવનને ઉત્સવની જેમ ઊજવીને જીવવું’- એવા તેમના વ્યાખ્યાનના ધ્રુવ વિચારના સમર્થનમાં તેમણે ‘જિંદા રહના’ અને ‘જિના’ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો.વિશેષ વ્યાખ્યાનના આ વિશેષ અવસરે ગણપત યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ મહેન્દ્ર શર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. યુનિવર્સિટીના પેટ્રન-ઇન-ચીફ અને પ્રેસિડન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ આ અવસરે અમેરિકાથી ખાસ ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના આંગણે આ વ્યાખ્યાનને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ પટેલ, ટ્રસ્ટીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન, આચાર્યો, વિભાગીય વડાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
