ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ખાસ મહોત્સવ ઉજવવામાં આવશે. રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરના રોજ ઉત્સાહભેર આ ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ઉજવણીના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ઉજવણીમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરે જે જિલ્લા મથકે આ ઉજવણી થવાની છે તે ગામ કે નગર ખાતે સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી નદી કાંઠા તળાવો ચેકડેમ જેવા જળ સ્ત્રોતોની સાફ સફાઈ કરાશે. સવારે ૧૦:00 વાગ્યે લોકમાતા માં નર્મદાના નીરના વધામણાં શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરવામાં આવશે. મહા આરતી બાદ ૧૦:૩૦ થી ૧૧:00 વાગ્યા દરમ્યાન જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ થકી ગ્રીન ગુજરાતની નેમ સાકાર કરાશે.