“માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી” પ્રોજેક્ટનો પ્રારંભ

અમદાવાદ: ગુજરાતના લોકપ્રિય કવિ,જાણીતા સાહિત્યકાર અને અંગ્રેજી ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક નિરંજન ભગતની સ્મૃતિમાં શરૂ કરાયેલા ‘નિરંજન ભગત મેમોરિયલ ટ્ર્રસ્ટ’ દ્વારા વિવિધ ઉપક્રમો યોજાય છે, એમાં એક નવા પ્રોજેકક્ટનો આરંભ થવા જઈ રહ્યો છે.

નિરંજન ભગત એ વાત પર ખૂબ ભાર મૂકતા કે આપણા વિદ્યાર્થીઓને માતૃભાષાના માધ્યમથી શિક્ષણ આપવા સાથે ઉત્તમ અંગ્રેજી શીખવવાની વ્યવસ્થા હોવી જોઈએ.એમણે કહ્યું હતું કે “માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી” એવી નીતિ  આપણે અપનાવવી રહી.

ભગતસાહેબના આ અંગૂલીનિર્દેશ પર નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એક નવીનતમ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ ગુજરાતના વિદ્યાર્થીઓની મહત્વની શૈક્ષણિક જરૂરીયાતને સંતોષવા હાથ ધરાયો છે.આ પ્રોજેક્ટના  મુખ્ય બે હેતુ છે. એક તો વિદ્યાર્થીઓને ઉત્તમ અંગ્રેજી શીખવવું, અને બીજું, સમાજના સાધનસંપન્ન અને સુવિધાથી વંચિત વર્ગ વચ્ચે ઊભી થયેલી ખાઈને દૂર કરવી. આ પ્રોજેક્ટ માત્ર શિક્ષણ સુધારણાનો પ્રયત્ન નથી પણ સામાજિક ન્યાય માટેનો પ્રયાસ પણ બની રહેશે. આ પ્રયાસને વધુ અર્થપૂર્ણ બનાવવા બીજી બે અગ્રણી સંસ્થાઓનો પણ સહકાર મળ્યો છે. એક તો અમદાવાદ યુનિવર્સિટી, જે પાર્ટનર તરીકે અને ગૃહ ફાયનાન્સ, પ્રોજેક્ટના આધારસ્તંભ તરીકે સહભાગી થયા છે.

શું છે આ પ્રોજેક્ટમાં?

આ પ્રોજેક્ટમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે નિયત અભ્યાસક્રમ સાથે એક વર્કબુક તૈયાર કરવામાં આવી છે. આ વર્કબુકના અભ્યાસથી વિદ્યાર્થીઓને બોલચાલનું અંગ્રેજી શીખવામાં મદદ મળશે. નિયમિત શિક્ષણ સાથે આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને અંગ્રેજી ભાષાના વ્યવહારિક જ્ઞાન માટેનું પૂરક શિક્ષણ મળી રહેશે.

પ્રોજેક્ટ લીડર અને ઇંગ્લિશ લેન્ગવેજ ટીચર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા(અમદાવાદ)ના પ્રમુખ ડૉ. મિથુન ખાંડવાલા  chitralekha.com ને જણાવે છે કે પ્રોજેકટનો ઉદ્દેશ્ય ગુજરાતી માધ્યમના શિક્ષકોને અંગ્રેજી શીખવવાની નવી તાલીમ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી માહિતગાર કરવાનો છે.પ્રોજેક્ટની શરૂઆત અમદાવાદ અને આસપાસના   વિસ્તારની કેટલીક શાળાઓથી કરવામાં આવશે.પ્રોજેક્ટની શરૂઆતમાં અને અંતે વિદ્યાર્થીઓની  ‘ઇન્ટરનેશનલી  સ્ટાન્ડર્ડઇઝડ’ કસોટી લઈને અસરકારકતાનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. અત્યારે આ પ્રોજેક્ટ ડૉ. રાજેન્દ્રસિંહ  જાડેજા, ડૉ મિથુન ખાંડવાલા અને રાજેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]