ડાંગથી વિખૂટાં પડેલાં બહેનનું પરિવાર સાથે સુખદ મિલન

(કેતન ત્રિવેદી)

ડાંગઃ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ડુંગરાડા ગામની એક માનસિક અસ્વસ્થ બહેન ઘરેથી ચાર મહિના પહેલાં નીકળી ગઈ હતી. પરિવારજનોએ આસપાસના જિલ્લાઓ આ બહેનની શોધખોળ આદરી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહિ, આખરે પરિવારના લોકોએ સ્થાનિક પોલીસમાં ખબર આપી. આશરે ચાર માસ જેટલો સમય વીતી ગયા પછી દુખી પરિવાર પર હિંમ્તનગરથી ફોન આવ્યો કે તમારી બહેન અહીં સહીસલામત છે, જેથી પરિવારના લોકોમાં ખુશીનો કોઈ પાર ન રહ્યો. આ બહેનને પરિવાર સાથે મેળાપ કરાવવામાં  હિંમતનગરના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની સરાહનીય કામગીરી કરી છે.

આ બહેન ફરતાં-ફરતા વિજયનગરના અંતરિયાળ વિસ્તારમાં પહેચી ગયા હતાં. આ બહેનની સ્થિતિ જોઇ ત્યાંના સ્થાનિક વ્યક્તિએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન પર ફોન કર્યો અને અભયમની ટીમે સ્થળ પર પહોંચી. એ પછી બહેનને હિંમતનગરમાં લાવ્યાં, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવતાં તે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ડુંગરાડા ગામના વતની હોવાનું તેણે જણાવ્યું. જેને આધારે ટીમે તેના આપેલા સરનામા પર પરિવારની શોધ કરી અને પરિવારના સભ્યો સાથે વાત કરતાં ખબર પડી કે બહેન માનસિક અસ્વસ્થ હોવાથી ચાર મહિના પહેલાં ઘરેથી નીકળી ગયાં હતાં, આ બહેન મળી આવતાં ગણતરીના કલાકોમાં જ પરિવારમાંથી માનસિક બીમાર બહેનેને લેવા માટે સગો દીકરો, દીકરા-વહુ, બે ભત્રીજા, અને બીજાં  સગાંસંબધીઓ આવી પહોચ્યાં હતાં. તેમણે બહેનને ઘરે પાછા લઈ જતાં વેળાએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.