સુરતઃ શહેરમાં અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી દુર્ઘટનાનું પુનરાવર્તન થયું છે. તથ્ય પટેલે કરેલા કારઅકસ્માત જેવો જ કાર અકસ્માત શહેરમાં થયો છે. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે BRTS રૂટમાં ત્રણ બાઇકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકોએ કારચાલકને પકડી મેથીપાક આપ્યો હતો. આ સાથે જ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ ‘આ તથ્યનો ભાઈ જ છે’ કહી કડક સજાની માગ કરી હતી.
ઉત્રાણના રાજપૂત ફળિયામાં રહેતો 27 વર્ષીય સાજન પટેલ બર્થડે પાર્ટીમાં દારૂ પીને સ્વિફ્ટ કાર નંબર GJ-05- RR-9995 લઈને રચના સર્કલ જવા નીકળ્યો હતો. જવાહનરનગર ચાર રસ્તા પરથી બેફામ જતા આ યુવકે કાર ધીમી કરવાને બદલે સ્પીડમાં હંકારી હતી. સાજન પટેલ ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે. સાજન સ્વસ્થ થતાં પોલીસે તેની ધરપકડ કરી છે.
કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે BRTS રૂટમાં ત્રણ બાઇક અને બે રાહદારી સહિત છ જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. પૂરપાટ ઝડપી આવી રહેલી સ્વિફ્ટ કારે એક બાદ એક એમ ત્રણ બાઇકોને અડફેટે લીધાં હતાં. લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે તે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.
કારચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઇકચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યાર બાદ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢી માર પણ માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના દોડી આવી હતી અને કારચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.