અમદાવાદ: કોરોનાની મહામારીએ અનેક પરિવારોનો માળો વિખેરી નાંખ્યો છે, તો અનેક પરિવારોને એક છત નીચે ભેગા પણ કરી દિધા છે. કોરોનાના કહેર વચ્ચે રાજય સરકાર અને તેના કર્મયોગી એવા અધિકારી-કર્મચારીઓ લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે કટીબધ્ધતા સાથે કાર્ય કરી રહયા છે. એટલું જ નહી પરંતુ લોકડાઉનની આવી વિષમ પરિસ્થિતિમાં પણ છેવાડાના લોકો – દરિદ્રનારાયણ સુધી પહોંચીને તેમની મુશ્કેલીઓનું સંવેદનશીલતા સાથે નિરાકરણ કરી આ કર્મયોગીઓ તેમનામાં રહેલી કર્તવ્યતાને ઉજાગર કરી રહયા છે.
આવી જ એક ઘટના બની છે સુરેન્દ્રનગર જિલ્લામાં. મોરબી – સુરેન્દ્રનગર અને ત્યાંથી છેક રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાને જોડતી આ ઘટનાની કડી છે, એક દસ વર્ષીય પરપ્રાંતિય બાળક રમેશ મીણા….આજથી દસેક દિવસ પહેલા મોરબી જિલ્લાના બાળ સુરક્ષા એકમને કાળજી અને જરૂરીયાતવાળું આશરે દશેક વર્ષનું બાળક મળી આવ્યું હતુ. જે બાળકને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યું, અને સુરેન્દ્રનગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના આદેશથી તેને સમાજ સુરક્ષા ખાતા સંચાલિત ચિલ્ડ્રન હોમ ખાતે આશ્રિત કરવામાં આવ્યો.
આ વાતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશને થતા તેમના માર્ગદર્શન હેઠળ આ બાળકને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવા જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ કાર્યરત થઈ. કોરોનાની મહામારીની સાથે પરિવારથી વિખુટો પડી ગયેલો આ બાળક ગભરાયેલો હતો. તેને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સભ્યોએ હૂંફ અને સાંત્વના આપી, તેના પરિવારની વિગતો મેળવતા ખબર પડી કે, આ બાળકના પરિવારજનો તો છેક રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના કોઈ નાના ગામમાં રહે છે. કોરોનાના કારણે તેમના પરિવારજનોથી તે વિખૂટો પડી ગયો અને પરિવારના લોકો તેમના વતન જતા રહયા અને તે એકલો અહીંયા રહી ગયો.
આ સમગ્ર બાબતની જાણ થતા જિલ્લા કલેકટરએ આ બાળકને તેના પરિવાર સુધી પહોંચાડવા માટે જરૂરી સુચના આપી. જેના પરિણામે આ બાળકને ૧૬ મી મેના રોજ બાળ સુરક્ષા એકમની ટીમ ખાનગી વાહનથી એસ્કોટ સાથે તેના પરિવારને સોંપવા પ્રતાપગઢ જવા રવાના કરવામાં આવી હતી.