અમદાવાદઃ શહેર ટ્રાફિક પોલીસે એક લક્ઝુરિયસ કારના માલિકને દેશનો અત્યારસુધીનો સૌથી મોટો દંડ ફટકાર્યો છે. નવા ટ્રાફિક નિયમો હેઠળ બુધવારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં વિવિધ લક્ઝુરિયસ કારો ડિટેન કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ, ગાડીના દસ્તાવેજ રજૂ ના કરી શકનારા લોકોની ગાડીઓને ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી છે.
ત્યારે હવે એવા સમાચાર મળ્યા છે કે આ ડ્રાઇવ હેઠળ ટ્રાફિક પોલીસે એક લક્ઝુરિયસ કારના માલિકને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો 27.68 લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ લાખો રૂપિયાની કિંમતની પોર્ષ ગાડી પોલીસે જપ્ત કરી હતી. પોલીસે ટ્વીટર પર પણ આ અંગે માહિતી શેર કરી છે. કાર ચાલક જ્યારે ભરવાપાત્ર દંડની રકમ જાણવા માટે ગયો હતો તો કાર માલિકની આંખો પણ ફાટી ગઇ હતી.
માહિતી મુજબ બે વર્ષથી ગાડી ટેક્ષ ભર્યા વગર ફરી રહી હતી. રૂ.16 લાખ આજીવન રોડ ટેક્ષ, અન્ય રૂ.7.68 લાખ વ્યાજ અને 4 લાખ રૂપિયા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કાર ચાલક દ્વારા અમદાવાદ RTOમાં ટેક્ષ ભરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રાફિક પોલીસે ડ્રાઇવામાં લક્ઝુરિયસ કાર પોર્શે, મર્સિડીઝ, રેંજ રોવર, તેમજ ફોર્ચ્યુનર જેવી કારને ડિટેન કરી હતી. અમદાવાદ પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી.