ગાંધીનગર- રાજ્યમાં વારંવાર અકસ્માતની સંભાવનાવાળા ૮૩ જેટલા સ્થળો-બ્લેક સ્પોટ શોધી કાઢવામાં આવ્યાં છે. આ માહિતી વિધાનસભામાં આપવામાં આવી હતી.ગુજરાત ટ્રાફિક ઉપદ્રવ નિવારણ અને નિયંત્રણ બાબતનું બિન સરકારી વિધેયક-૨૦૧૮ રજૂ કરતા તેના ઉપરની ચર્ચામાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે માર્ગ અકસ્માતોને કારણે માનવ જિંદગીઓ મોતના મુખમાં હોમાતી બચે તે માટે સરકાર દ્વારા હાલના બજેટ સત્ર દરમ્યાન ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી બિલ-૨૦૧૮ દાખલ કરી ગુન્હાહીત રીતે વાહનો હંકારનારા તથા નિયમોનો ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય અસરકારક પગલાં લીધાં છે.
ગુજરાતમાં હાલમાં ૨.૩૦ કરોડ જેટલા વાહનો નોંધાયેલા છે. તેમાં પ્રતિ વર્ષ ૭ થી ૮ ટકાનો વધારો થઇ રહ્યો છે. રાજ્યની વસ્તીમાં છેલ્લા દસકામાં ૯૭ લાખનો વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતોના કારણોની વિશ્લેષણના આધારે અકસ્માતના સંભવીત વિસ્તારો (બ્લેક સ્પોટ) આઇડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન કુલ-૮૩ જેટલા બ્લેક સ્પોટ નક્કી કરી ટેકનીકલ એરર દૂર કરી ત્યાં માર્ગ સલામતીના સઘન તકેદારીના પગલા લઇ ૬૩ જેટલા બ્લેક સ્પોટ રેક્ટિફાઇ કરવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્પોટ ઉપર અકસ્માતોની સંખ્યા ૬૮૩ હતી તે ઘટીને ૮૫ થઇ હતી એટલે કે અકસ્માતોની સંખ્યામાં ૫૯૮ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.માર્ગ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થયો હોવાનું પણ જણાવાયું હતું. ૨૦૧૬માં અકસ્માતોની સખ્યા ૨૧,૮૫૯ હતી, ૨૦૧૭માં તે ઘટીને ૧૯,૦૮૧ થઇ છે. એટલે કે અકસ્માતોની સંખ્યામાં ૧૨.૭ ટકાનો ઘટાડો થયો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃત્યુની સંખ્યા ૨૦૧૬માં ૮,૧૩૬ હતી જે ઘટીને ૨૦૧૭માં ૭,૨૮૯ થઇ છે. એટલે કે અકસ્માતમાં મૃત્યુ પામવાના કિસ્સામાં ૮૪૭ નો ઘટાડો થયો છે.
ટ્રાફિક નિયમન તંત્રને સુસજ્જ બનાવવા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં માર્ગ સુરક્ષા નીધિ માટે રૂા. ૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં માનદ વેતનથી ફરજો બજાવતા ટ્રાફિક બ્રિગેડનું મહેકમ કે જે ૭,૨૪૭ હતું તે વધારીને ૧૦ હજાર કરવા તથા તેમાં ૩૩ ટકા લેખે મહિલા ટ્રાફિક બ્રિગેડની પણ માનદ વેતનથી સેવા લેવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડનું માનદ વેતન રૂા. ૨૦૦ થી વધારીને રૂા. ૩૦૦ કરવામાં આવશે.
ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી ૨૦૧૭માં રૂા. ૮૪ કરોડ દંડ વસૂલાત કરવામાં આવી હોવાનું તથા ટ્રાફિકના નિયમ ભંગના ૫૭,૧૬૮ ગુના નોધ્યાં હતાં
દારૂબંધીનો નવો કડક કાયદો અમલમાં મૂકાતાં દારૂ સાથે સંકળાયેલા ગુનાઓની સંખ્યા જે ૨૦૧૬માં ૬,૭૪૦ હતી તે ઘટીને ૫,૬૦૦ થઇ છે. એટલે કે ગુનાઓની સંખ્યામાં ૧,૦૦૦ નો ઘટાડો થયો છે.