વાહનો નદીનાળાંમાં પડે નહીં તે માટે રેલિંગ બેરિયર લગાડવા ૧૨૫ કરોડ ખર્ચાશે

ગાંધીનગર- રંઘોળા ટ્રક અકસ્માતની ઘટના પુલ પરની રેલિંગ તોડી નીચે ખાબકવાથી બની હતી ત્યારે આ પ્રકારની ગંભીર ઘટનાઓથી શક્ય બચાવ માટે સરકાર પુલ રેલિંગો માટે બેરીયર બનાવશે. સરકાર આ માટે 125 કરોડ ખર્ચશે.નાયબ સીએમ અને નાણાંપ્રધાન નિતીન પટેલે જણાવ્યું કે અકસ્માતના સમયે પુલ ઉપરથી રેલિંગ તોડીને વાહન નીચે પડે છે તેવા કિસ્સા ઘટાડી શકાય તે માટે સ્ટેટ હાઇવે પરના આશરે ૮૯૫ નાળાં,પુલો તથા પંચાયત હસ્તકના રસ્તા પર આશરે ૯૮૯ નાળાં,પુલો ઉપર પાઇપ રેલીંગના સ્થાને W ટાઇપ કેશ બેરીયર લગાડવામાં આવશે. જેનો અંદાજિત ખર્ચ રૂા. ૧૦૦ કરોડ રાજ્યના તથા રૂા. ર૫ કરોડ પંચાયત રસ્તાના થશે. આ કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ કરાશે. જેથી રેલીંગ તોડીને વાહન નદી કેખાડીમાં પડવાના અકસ્માતો ઘટાડી શકાય.

ભારે ટ્રાફિક હોય તેવા જંકશન પર ફલાય ઓવર/ અન્ડર પાસ બનાવવા માટે નવી બાબત વર્ષ ર૦૧૮-૧૯ના બજેટમાં સૂચવેલ છે. જેમાં સૂરત-કડોદરા ખાતેનું જંકશન, ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી જંકશન, ગાંધીનગર ઇન્દિરા બ્રીજ રસ્તા પર કોબા ખાતે, મહેસાણાના મોઢેરા જંકશન પર ફલાય ઓવર- અન્ડર પાસ બનાવવામાં આવશે. આ કામગીરીનો અંદાજી ખર્ચ રૂા. ૩૫૦ કરોડ થશે તથા આગામી ૩ થી ૪ વર્ષમાં પૂર્ણ કરાશે.

દરેક તાલુકાને જિલ્લા મથકો સાથે ૧૦ મીટર પહોળો રસ્તાથી જોડવાની કામગીરી પણ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત ૬૮ તાલુકામથકોને ૧૯ર૬ કીમીની લંબાઇના રસ્તાને ૧૦ મીટર પહોળા કરવાનો અંદાજિત ખર્ચ રૂા. ૧૦૪૫ કરોડ થશે. આ કામગીરી આગામી ૩ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ કામગીરીથી રાજ્યના તમામ તાલુકા મથકોને જિલ્લામથક સાથે ૧૦ મીટર પહોળાઇના રસ્તાનું જોડાણ મળશે.

મહિલા દિવસની ભેટ સ્વરૂપે મહિલા ધારાસભ્યોને તેમના વિસ્તારના વિકાસ કામો માટે વધારાના રૂા. ૧ કરોડના જોબર નંબર આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]