અમદાવાદઃ અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ (AIIM)નો ૨૦૨૧-૨૩ બેચના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ સોમવારે યોજાયો હતો, જેમાં AICTE દ્વારા માન્ય બે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેનેજમેન્ટ (PGDM) અભ્યાસક્રમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને કાનૂનનો સમાવેશ થતો હતો.
આ દીક્ષાંત સમારોહમાં કુલ ૫૬ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેનેજમેન્ટ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ) અભ્યાસક્રમના અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં મેનેજમેન્ટ (કાયદો)ના ૧૦ વિદ્યાર્થીઓ સ્નાતક થયા છે. બુરીગરી સાંઇપ્રસાદીને તેમના તેજસ્વી શૈક્ષણિક પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
AIIMને ૨૦૨૨થી અદાણી યુનિવર્સિટીમાં પરિવર્તિત કરવા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેનેજમેન્ટ (PGDM) (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ) અભ્યાસક્રમને MBA (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ)માં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. MBAના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. (IM)ના MBA જયવર્ધન મિત્તલ, મયંક મહેતા અને અવિનાશ યાદવને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કામગીરી માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.
ધ ઇન્ફ્રાવિઝન ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી વિનાયક ચેટર્જીના મુખ્ય મહેમાનપદે અને અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડો. પ્રીતિ જી. અદાણી તેમ જ AIIMના ડિરેક્ટર અને અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. રવિ પી. સિંહના અધ્યક્ષપદે યોજાયેલા AIIMના ૭મા દીક્ષાંત સમારોહ પ્રસંગે શિક્ષણ અને ઉદ્યોગ જગતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતાં વિનાયક ચેટર્જીએ કહ્યું હતું કે આજે કારકિર્દીની સૌથી મોટી તક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં દેશનાં મહત્તમ સંસાધનોનું તેમાં રોકાણ કરવામાં આવે છે. આ સંસ્થાએ તમારામાં અભિગમ, આશાવાદ અને આત્મવિશ્વાસ જેવા જીવન કૌશલ્યોના સમૂહનું સિંચન કર્યુ હશે, જે તમને તમારા ઉત્તરીય તારો શોધવામાં મદદ કરશે.
ડો. પ્રીતિ જી. અદાણીએ જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વૈશ્વિક અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ભારતીય અર્થતંત્ર તે માટે ભિન્ન નથી. તમારી કારકિર્દીનો આરંભ કરવા માટે આ અતિ ઉત્તેજક સમય છે અને અત્યારે ભારત એ સ્થાને છે ત્યારે તમે જીવનભરની તક માટે સજ્જ છો. તમે અહીંથી પ્રાપ્ત કરેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટથી લઈને વ્યૂહાત્મક વિચારસરણી સુધી અને જટિલ કાયદાકીય માળખાને સમજવાથી લઇને નાણાકીય અને વિશ્લેષણાત્મક ટેક્નિકોમાં નિપુણતા મેળવવા સુધીનાં કૌશલ્યો અને જ્ઞાન સાથે આપ સૌને આવતી કાલના અગ્રણી અને સંશોધકો બનવા માટે સજ્જ કર્યા છે, એમ તેમણે કહ્યું હતું.