જૂનાગઢ: સૌરાષ્ટ્રના ગરવા ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ પરિક્રમ કરવા આવતા હોય છે. લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં સાત લોકોને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. જેના કારણે હવે અન્ય ભાવિકોમાં પણ હાર્ટ એટેકને લઇને ભય જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના કારણે થઇને સાત લોકોના મોત થયા છે. છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. મૃત્યુ પામનાર તમામ સાતેય પરિક્રમાર્થીઓ પુરૂષો જ છે. ફક્ત 2 દિવસમાં 7 પરિક્રમાર્થીઓના મોતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે 6 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને 1 મૃતદેહને ભેંસાણ સીએચસી ખાતે ખસેડવામાં આવેલ છે. જેમાં 11 નવેમ્બરના રોજ 4 ભાવિકોના મૃત્યુ થયા હતા અને 12 નવેમ્બરના રોજ વધુ 3 ભાવિકો મૃત્યુ પામ્યા હતા. આ તમામ મૃતકોની ઉંમર 50થી 70 વર્ષની હોવાની જાણવા મળેલ છે. લોકો પણ પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.