ગુજરાતમાં 50 બાંગ્લાદેશી ઘૂસપેઠિયા પકડાયા, 16ને ડિપોર્ટ કર્યા

ગાંધીનગર: દેશના વિવિધ વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઘૂસપેઠિયા પકડાવવાની ઘટના છાસાવારે વધી રહી છે. ગુજરાત સરકારે પણ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સની અટકાયત કરી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા અમેરિકાએ પણ ગુજરાતીઓ સહિત ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. જેની ચર્ચા આખા દેશમાં ચાલી હતી. તો હવે આજે ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 50 માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે. જેમાં મોટાભાગના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારાને ઝડપી લેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સુકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ભારતીયોને લઈને યુએસ આર્મીનું વિમાન પંજાબના અમૃતસર પહોંચ્યુ હતુ ત્યાંથી 33 ગુજરાતીને ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. પરત આવેલા ગુજરાતીઓને પોલીસની ખાસ ટીમ તેમના જિલ્લામાં લઈ જઈને ઘરે પહોંચાડ્યા હતા. ઇમિગ્રેશન અને એરપોર્ટ પોલીસે તમામની સત્તાવાર રીતે અટકાયત કરી તેનો હવાલો સ્થાનિક પોલીસને સોંપવામાં આવશે. ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ મહેસાણા, પાટણ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ અને બનાસકાંઠા જિલ્લાના હોવાની વિગતો સામે આવી રહી છે. એરપોર્ટ પરથી તમામ લોકોને સ્થાનિક જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા અને સ્થાનિક પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.