અમદાવાદ- ગત રાત્રે કેટલાંક અસામાજિક તત્વો દ્વારા હિમાલયા મોલ, પીવીઆર અને આલ્ફાવન મોલની તોડફોડ અને આગચંપીના બનાવને લઇને પોલિસે આરોપીઓની ઓળખ અને ધરપકડના ચક્ર ગતિમાન કર્યાં હતાં. પોલિસે અત્યાર સુધીમાં 45 શખ્સની ધરપકડ કરી હોવાનું સેક્ટર વન જોઇન્ટ કમિશનર ઓફ પોલિસ કે એલ એન રાવે જણાવ્યું હતું.ગઇકાલ રાત્રે જ તોડફોડ સમયે દોડી ગયેલી પોલિસે પીવીઆર અને આલ્ફાવન મોલ તથા હિમાલયા મોલની બહારથી કેટલાક લોકોની ધરપકડ કરી લીધી હતી.
તોફાન બાદ રાઉન્ડઅપ કરેલાં કેટલાક લોકોને અટકાયત કરીને હેડક્વાર્ટર અને ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ લઇ જવાયાં હતાં. જેમાંથી વસ્ત્રાપુર પોલિસે 19 જેટલા લોકોની ધરપકડ કરી છે. જ્યારે સેટેલાઇટ પોલિસે 30 જેટલા લોકોની ધરપકડ કરી છે. મોલના સીસીટીવી અને રોડ પરના ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરી તેમની સાથે કોણ હતાં તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે કેન્ડલ માર્ચ મયે જ સાણંદના કેટલાક રાજપૂત યુવક લાકડીઓ, પથ્થર અને જ્વલનશીલ પદાર્થ લઇને આવ્યાં હતાં.સાણંદના વીંછિયા ગામના યુવકોના નામ આ મામલે ખુલ્યાં છે.તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.આશરે 400 જેટલા લોકોનું ટોળું કેન્ડલ માર્ચ પત્યાં પછી હલ્લો મચાવતાં અનેક સ્થળોએ તોફાન મચાવ્યું હતું. સેટેલાઇટ પોલિસે કેન્ડલ માર્ચનું આયોજન કરનાર રાજપૂત સમાજના આગેવાનો સહિત 30 લોકોની ધરપકડ કરી લેવાઇ છે. સાથે 110 જેટલા વાહનો પણ ડીટેઇન કરવામાં આવ્યાં છે.