15,000 કરોડના ખર્ચે કચ્છમાં સ્ટીલ પ્લાન્ટ બનાવવાનું કામ શરુ, ચીનની કંપનીનો સહયોગ

મુન્દ્રા- કચ્છમાં ઔદ્યોગિક એકમો સ્થાપવા વાઇબ્રન્ટ સમિટ દરમિયાન આમંત્રણ આપવામાં આવે છે અને વેપારી સંસ્થાનો સાથે એમઓયુ કરવામાં આવે છે. એવા જ એક એમઓયુ હેઠળ ચાઇનીઝ કંપનીના સહકારમાં કચ્છમાં 15,000 કરોડના રોકાણથી સ્ટીલ પ્લાન્ટ સ્થાપનાનું કામકાજ શરુ થઇ ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

કચ્છના મુન્દ્રા પાસેના કુંદરોડી અને રતાળીયા ગામ પાસે બનનાર સ્ટીલ પ્લાન્ટ આગામી પાંચ વર્ષમાં તૈયાર થશે અને તેમાં વાર્ષિક 30 લાખ ટન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે.ચીનની ટીશાંગશાંગ કંપની આ પ્રોજેક્ટમાં સહકાર કરી રહી છે.

ઇન્ડો-ચાઇના કંપનીના સંયુક્ત સાહસસમા ક્રોમોની સ્ટીલ પ્લાન્ટના કારણે આ વિસ્તારના આઠથી દસ લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થવાનું અનુમાન લગાવાયું છે.

ભૂકંપ બાદ કચ્છના વિકાસમાં ભૌતિક અને માળખાકીય સુવિધામાં વધારાના  કારણે મોટું રોકાણ કચ્છમાં આવી રહ્યું છે. તેનું એક કારણ પોર્ટનો વિકાસ પણ છે. પોર્ટ ડેવલપમેન્ટના કારણે દુનિયાભરની સાથે કચ્છથી વેપાર થાય છે. આ પોર્ટના કારણે આ સ્ટીલ પ્લાન્ટનો કાચો માલ ઇન્ડોનેશિયાથી આવશે. ભારતનો આ સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ ગણાવાઇ રહ્યો છે જે કચ્છમાં કાર્યરત થતાં દેશની જરૂરિયાત માટે સ્ટીલ ઓછું આયાત કરવું પડશે.