ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી સ્થાપવા માટે રાજ્ય સરકારે વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે ૩૧ હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે વિગતો આપતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં નિર્માણ થનાર આ પ્રથમ રેલવે યુનિવર્સિટી માટે જે ૩૧ હેક્ટર જમીન ફાળવાઇ છે તે બજાર કિંમતના ૫૦ ટકા ભાવે ફાળવાશે, આ યુનિવર્સિટી આવનાર સમયમાં રેલવે નેટવર્ક સહિત રેલ તથા ટ્રાન્સપોર્ટેશન સેક્ટરના અભ્યાસક્રમો અને તાલીમ માટે મહત્વની બની રહેશે, જેનો સ્થાનિક કક્ષાએ લોકોને વધુ લાભ મળશે.
વાઘોડિયા ખાતે નિર્માણ થનાર આ રેલવે યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો માટે વિવિધ ભવનો-કોલેજોનું નિર્માણ કરાશે. રેલવે કર્મીઓને આધુનિક તાલીમ મળે તે માટે તાલીમ સેન્ટરનું પણ નિર્માણ કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું નિર્માણ કરાશે.