દિલ્હીમાં “ગરવી ગુજરાત ભવન” નું 2 સપ્ટેમ્બરે PM કરશે લોકાર્પણ, ખૂબ જ સુવિધાપૂર્ણ…

ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, દેશના પાટનગર દિલ્હી ખાતે અકબર રોડ ઉપર રૂ.૧૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત “ગરવી ગુજરાત ભવન” નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ લોકાર્પણ કરાશે.

દિલ્હી ખાતે દાયકાઓથી ગુજરાત ભવન કાર્યરત છે જ પરંતુ વધતી જતી જરૂરીયાતો તથા નાગરિકોના ઘસારાને પહોંચી વળવા માટે આ નવનિર્મિત ભવનનું નિર્માણ કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ૭૦૬૬ ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી જેની તમામ કિંમત રાજ્ય સરકારે ભરી દીધી હતી અને આજે આ ભવ્ય અતિ આધુનિક સુવિધાઓથી સજજ રાજ્ય સરકારની માલિકીનું નવીન ભવન બાંધવામાં આવ્યું છે. જેમાં ૧૯ સ્યુટ રૂમ, ૫૯ અન્ય રૂમ, બિઝનેશ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપરપઝ હોલ, વિવિધ ચાર અન્ય લોન્જ, લાયબ્રેરી, યોગા સેન્ટર, જીમ્નેશીયમ, રેસ્ટોરન્ટ, ડાઇનીંગ હોલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

આ ઉદ્ઘાટન વેળાએ રાજ્યના સાંસ્કૃતિક ધરોહર સમાન કલા-વારસાની ઝાંખી લોકોને થાય તે માટે વિજ્ઞાન ભવન એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયુ છે. આ ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્ર સરકારના પ્રધાનો સહિત ગુજરાત સરકારના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.