ગુજરાતના આ ગામમાં છે સદીઓ જૂનું શીતળા માતાનું ધામ

મહેસાણા- હજારો વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારનું અનોખું મહત્વ છે. અત્યારે શરુ થઇ ગયેલી ઉત્સવો અને તહેવારોની મોસમમાં રાંધણ છઠ અને પછી બીજે દિવસે શીતળા સાતમ ઉજવાય છે. હિંદુ સંસ્કૃતિની માન્યતા મુજબ કેટલોક વર્ગ શીતળા માતાની પૂજા કરે છે.

શીતળા સાતમ નિમિત્તે ચિત્રલેખા.કોમ આપને ગુજરાતના એકદમ પ્રાચિન  શીતળા માતાના મંદિરની તસવીરી ઝલક બતાવશું….ઉત્તર ગુજરાતના મહેસાણા ના એકદમ જાણિતા વોટર પાર્ક નજીક આવેલા લીંચ ગામમાં શીતળા માતાનું એકદમ ઐતિહાસિક મંદિર આવેલું છે.

શીતળા માતા તેમજ દક્ષ રાજા ના મંદિરો હાલ પુરાતત્વ ખાતાએ આરક્ષિત કરેલા છે. શીતળા સાતમના દિવસે લીંચ ગામના શીતળા માતાના મંદિરે મેળા જેવો માહોલ થઇ જાય છે. મોટી સંખ્યામાં લોકો આ મંદિરના દર્શનાર્થે પૂજા-અર્ચના કરવા માટે ઉમટી પડે છે.

દરેક પ્રાંત અને ગામોમાં એક લોકવાયકા હોય છે, ક્યાંક પરંપરા પણ જોવા મળે છે,  આવી જ પરંપરા લીંચના શીતળા માતાના મંદિરે પણ છે, ચૈત્રમાસમાં ભક્તો પાણીના ઘડુલા ભરી શીતળા માતાને ઠારવા માટે આવે છે.

લીંચ ગામના સરપંચ અંજુબહેન પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, આ એકદમ પૌરાણિક મંદિર છે જે અંદાજે બારમી સદીમાં બનેલું છે. શીતળા માતા તેમજ દક્ષ રાજાના મંદિરની મુર્તિઓ એકદમ કળાત્મક છે.

મંદિરની સારી રીતે જાળવણી થાય અને પુરાતત્વ ખાતું સારી રીતે માવજત કરે એ માટે અનેકવાર પત્ર વ્યવહાર દ્વારા પ્રયત્નો કર્યા છે.

કારણ આ ઐતિહાસિક સ્થળતો છે જ પણ પરંપરા પ્રમાણે આ શીતળા માતાના મંદિર સાથે લોકોની ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે.

ઐતિહાસિક કળાત્મક મુર્તિઓ સાથેનું આ લીંચ ગામનું શીતળા માતાનું મંદિર જોતાં થાય કે આવી અનેક ધરોહર સમગ્ર ભારત વર્ષમાં હશે… જે જાળવણી ઝંખે છે…!!

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ