અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં દુંદુભિ વાગવા માંડ્યાં છે. રાજકીય પક્ષો મતદાતાઓને આકર્ષવા દાવપેચ અજમાવવા માંડ્યા છે. દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સુરતની મુલાકાતે છે, ત્યારે તેમણે ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક ઘરને દર મહિને 300 યુનિટ જેટલી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં જો આપની સરકાર બનશે તો ત્રણ મહિનામાં વચન પૂરું કરવાની કેજરીવાલે જાહેરાત કરી છે.
સુરતમાં અરવિંદ કેજરીવાલ કહ્યું હતું કે અમે ગુજરાતના લોકોને ગેરંટી આપીએ છીએ કે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપીશું. તેમણે કહ્યું હતું કે વીજળીની ગેરંટીમાં ત્રણ વાત છે. અમે જે પણ ગેરંટી આપીએ છીએ તે પૂરી કરીએ છીએ. અમે કામ કર્યા છે અને વચન પૂરા કરવા એ અમારી દાનત છે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેના ત્રણ મહિનામાં ગુજરાતના દરેક ઘરમાં 300 યુનિટ ફ્રી વીજળી આપીશું. જો દિલ્હી અને પંજાબમાં મળી શકે તો અહીં પણ મળી જ શકે.
Clarification –
गुजरात में दो महीने का बिजली बिल आता है। 300 यूनिट प्रति माह के हिसाब से दो महीने के बिल में 600 यूनिट फ़्री मिलेगा।
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 21, 2022
બીજી ગેરંટી એ છે કે ગુજરાતમાં તમામ જગ્યાએ 24 કલાક વીજળી મળશે. કોઈ પણ વિસ્તારમાં પાવર કટ નહીં આવે પછી એ શહેર હોય કે ગામડું. અમે એવી સિસ્ટમ તૈયાર કરીશું કોઈને ખોટું બિલ ન આવે. પંજાબ અને દિલ્હીમાં અમને ઘણા એવા લોકો મળ્યા હતા જેમને ખોટું બિલ મોકલવામાં આવતું હતું. તેમણે ત્રીજુ ચૂંટણી વચન એ પણ આપ્યું કે 31 ડિસેમ્બર પહેલાં બાકી રહેતાં તમામ બિલોને પણ અમે સરકારમાં આવીશું તો માફ કરી દઈશું.