અમદાવાદ– દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે શનિવારે સાંજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આંચકાનો અનુભવ સામાન્ય હતો, પણ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે જાનમાલને કોઈ નુકશાન થયું નથી. ભુકંપનું એપી સેન્ટર ભરૂચ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાંજના 4.57 મીનીટે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપની 3.7ની તીવ્રતા હોવાનું કહેવાય છે. અને આ આંચકાનું એપી સેન્ટર ભરૂચથી 38 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળે છે. ભરૂચ, સુરત, માંગરોળ, તાપી, વ્યારા, ઉચ્છલ, બારડોલી, માંડવી, ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળા વિસ્તારોમાં ધરતીકંપનું કંપન અનુભવાયું હતું. 10 સેકન્ડ સુધી ભૂકંપના હળવા આંચકાને કારણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે કેટલાક લોકોને ખબર પણ પડી ન હતી.