ગાંધીનગર- સૂરત શહેરની નગર રચના યોજનાઓમાં એફ.એસ.આઇ. વધારવા સદર્ભે ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘ધ ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-૧૯૭૬’ની કલમ ૨૯-૧ હેઠળ સૂરત શહેરની જુદી જુદી નગર રચના યોજનાઓમાં એફ.એસ.આઇ. વધારીને વધુ માળ બાંધવા માટે છેલ્લા બે વર્ષમાં ૨૨ દરખાસ્તો આવી હતી. વર્ષ-૨૦૧૭-૧૮માં આવેલી આ ૨૨ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સૂરત ડાયમંડ સીટી છે અને સૂરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ન હોવાને કારણે હિરાનો વેપાર સુરતના વેપારીઓએ મુંબઇ જઇને કરવો પડે છે. સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તો ઉદ્યોગ વધે અને સુરતનો વિકાસ વધુ ઝડપે થાય. તેના માટે રાજ્ય સરકારે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનો પ્રોજકટ હાથ ધર્યો છે.
સૂરતમાં એફ.એસ.આઇ. વધારવાની માંગણી સંદર્ભે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં પટેલે જણાવ્યું કે, સૂરતમાં કોઇપણ ડેવલપર કે વ્યક્તિ એફ.એસ.આઇ. વધારવાની માંગણી કરે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અરજી કરીને ચાર્જ પેટે ભરવા પાત્ર રકમ ભરે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દરખાસ્ત મોકલે તો રાજ્ય સરકાર તેને મંજૂરી આપે છે. તે પ્રમાણે બે વર્ષમાં ૨૨ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી ૧૨ ઉપયોગમાં લેવાઇ છે, જ્યારે ૧૦ ઉપયોગમાં લેવાઇ નથી.
એફ.એસ.આઇ.ની ગણતરી નિયમોનુસાર કરવામાં આવે છે. ઓછો વિકસીત વિસ્તાર હોય તો ત્યા ઓછો અને વધુ વિકસીત વિસ્તાર હોય તો ત્યાં જંત્રીનો ભાવ વધુ હોવાથી એફ.એસ.આઇ.નો વધુ ચાર્જ વસુલવામાં આવે છે. એટલે કે જંત્રીના ૪૦ ટકા રકમ વધારાની એફ.એસ.આઇ. માટે બિલ્ડરે ભરવાની રહે છે. જેવી જંત્રી, જેવો વિસ્તાર અને જેવા પ્રકારનું બાંધકામ તે પ્રમાણે એફ.એસ.આઇ. આપવાનો ચાર્જ વસુલવામાં આવે છે.