ઈનપુટ સહાયમાં 35,000 કરોડથી વધુ ખર્ચ,આ વર્ષે પણ ખેડૂતો માટે 2557 કરોડ ખર્ચાશે

0
652

ગાંધીનગરઃ  આ સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતોની સમૃદ્ધિ અને કલ્યાણ માટે સતત અગ્રેસર અને પ્રયત્નશીલ છે. દુષ્કાળ અને ઓછા વરસાદની પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ આ સરકારે સંવેદનશીલતાને ઉજાગર કરી છે, કૃષિ સંલગ્ન તમામ યોજનાકીય સહાય ઓનલાઇન અમલ કરી પારદર્શકતાનો મંત્ર સાર્થક કર્યો છે તેમ કૃષિપ્રધાન આર સી ફળદુએ વિધાનસભામાં જણાવ્યું હતું. કૃષિલક્ષી જોગવાઈઓને મંજૂર કરવા સાથે વિધાનસભામાં કૃષિવિભાગને લગતી જુદીજુદી બાબતોની જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

કૃષિ-ખેડૂત કલ્યાણની રૂ.૨૫૫૭ કરોડની અને ગ્રામ વિકાસ અંગેની રૂ.૩૩૬૨.૪૯ કરોડની તથા બાગાયતની રૂ ૨૯૬ કરોડની માગણીઓની ચર્ચાનો જવાબ આપતા ફળદુએ જણાવ્યું કે,આ અંદાજપત્રની મહત્વપૂર્ણ બાબતોમાં પાક વ્યવસ્થા સદરે રૂ. ૨,૫૫૭ કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે રૂ. ૯૭૩ કરોડની જોગવાઈ, પાક જોખમ નિવારણ ક્રોપ્સ ફંડ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરી છે તેમજ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ સંશોધન અને કૃષિ કાર્યક્રમોને સઘન બનાવવા રૂ. ૭૦૦.૮૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.કૃષિ વિભાગમાં ૨૭૭૧ નવી જગ્યાઓ કૃષિ ક્ષેત્રે ઉભી કરવાનો નિર્ણય કરેલ છે.

ખેડૂતોનું સમયસર તાંત્રિક માર્ગદર્શન અને માહિતી પુરી પાડવા વ્યાપક પ્રમાણમાં તાલીમલક્ષી કાર્યક્રમો અમલમાં મુકેલ છે. આ થકી ચાલુ વર્ષે અંદાજીત ૭ લાખ ખેડૂતોને તાલીમ પુરી પાડવામાં આવી છે.૧૫ વર્ષથી શરૂ કરાયેલ કૃષિ મહોત્સવથી આપણને કૃષિ વિકાસના અનેક પરિણામો મળ્યાં છે. વર્ષ ૧૯૯૫-૯૬માં વાવેતર હેઠળનો કુલ વિસ્તાર ૧૦૯.૯૫ લાખ હેકટર હતો, તે વધીને વર્ષ ૨૦૧૫-૧૬ માં ૧૨૫.૮૦ લાખ હેકટર થયો છે. વર્ષ ૧૯૯૫-૯૬માં ખાધ પાકોનો વાવેતર વિસ્તાર ૩૭.૪૮ લાખ હેકટર અને ઉત્પાદન ૪૧.૦૦ લાખ મે.ટન થયેલ જે વર્ષ ૨૦૧૭-૧૮માં ખાધ પાકોનો વાવેતર વિસ્તાર ૩૭.૩૬ લાખ હેકટર થયેલ અને ઉત્પાદન ૭૬.૬૧ લાખ મે.ટન થયેલ છે. વર્ષ ૧૯૯૫-૯૬માં તેલીબીયા પાકોનો વાવેતર વિસ્તાર ૨૯.૦૮ લાખ હેકટર થયેલ અને ઉત્પાદન ૨૧.૫૬ લાખ મે.ટન થયેલ જે વર્ષ ૨૦૧૭-૧૮ માં તેલીબીયા પાકોનો વાવેતર વિસ્તાર ૨૭.૫૮ લાખ હેકટર થયેલ અને ઉત્પાદન ૬૧.૪૩ લાખ મે.ટન થયેલ છે. બાગાયતી પાકોનું, ફુલ પાકો, મસાલા અને શાકભાજી પાકોનું વાવેતર વર્ષ૧૯૯૫-૯૬માં ૪.૮૦ લાખ હેક્ટરમાં હતું તે આજે વધીને ૧૬.૮૭ લાખ હેક્ટર થયેલ છે.

ગુજરાત સમગ્ર દેશમાં દિવેલામાં ઉત્પાદન તેમજ ઉત્પાદકતામાં પ્રથમ સ્થાને,  કપાસના ઉત્પાદનમાં પ્રથમ અને ઉત્પાદકતામાં ત્રીજા સ્થાને, મગફળીના ઉત્પાદનમાં પ્રથમ અને ઉત્પાદકતામાં ત્રીજા સ્થાને  ફળપાકો જેવા કે  પપૈયા, લીંમ્બુ અને ચીકુના વાવેતરમાં દેશમાં પ્રથમ સ્થાને, શાકભાજી પાકમાં ભીંડા ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને છે, જીરૂ ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને છે. આદુ અને હળદર ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ સ્થાને છે. ફળપાકોમાં કેળા ઉત્પાદન અને ઉત્પાદકતામાં  દ્વિતિય ક્રમે, દાડમના વાવેતર અને ઉત્પાદનમાં દ્વિતિય સ્થાને, બટાટાની ઉત્પાદકતામાં દેશમાં દ્વિતિય સ્થાને, જીરૂ જેવા મસાલા પાકોના વાવેતરમાં દ્વિતિય સ્થાને છે.

સિંચાઈ હેઠળનાવિસ્તારની માહિતી આપતાં જણાવ્યું કે, વર્ષ ૨૦૦૧માં સિંચાઇ  હેઠળનો વિસ્તાર ૩૮.૭૭ લાખ હેક્ટર હતો,જે વર્ષ ૨૦૧૮માં વધીને ૭૦.૨૬ લાખ હેક્ટર થયેલ છે. આમ,સિંચાઇ વિસ્તારમાં ૩૧.૪૯ લાખ હેક્ટર વધારો થયેલ છે. ૧૮.૦૩ લાખ હેકટર જેટલા વિક્રમી વિસ્તારમાં સુક્ષ્મ સિંચાઇ અમલી કરી શકાઇ છે જે થકી રાજયના ૧૧ લાખથી વધુ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિ અપનાવીને પાણીનો કરકસરયુકત ઉપયોગ કરીને, રાજયના ખેડૂતોએ ઉચ્ચ ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન મેળવેલ છે. હાલ સુક્ષ્મ સિંચાઇ ક્ષેત્રે ખેડૂતોને ૮૫% સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે.

ફળદુએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્યમાંથી રાસાયણિક ખાતરના કુલ ૧૪,૬૫૬, જંતુનાશક દવાના કુલ ૪૦૧૧ અને બિયારણના કુલ ૫૫૮૧ નમુના લેવામાં આવ્યા હતા. ચકાસણી દરમ્યાન અન-અધિકૃત ગતિવિધિ જણાયે સંબંધિત ઉત્પાદકો/વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, સોઇલ હેલ્થ કાર્ડ શરૂ કરનારું ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય હતું. આ સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનો દેશભરમાં સફળતા પુર્વક અમલ થઈ રહ્યો છે. પ્રથમ તબક્કામાં રાજ્યના ૪૨.૩૯ લાખ ખેડૂત ખાતેદાર અને બીજા તબક્કામાં ૪૬.૬૧ લાખ ખેડૂત ખાતેદારોને વિના મુલ્યે સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.

સરકારે કૃષિ યાંત્રિકીકરણને વધુ પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૧૮-૧૯માં ટ્રેક્ટર માટે ૨૭,૧૭૩ ખેડૂતોને કુલ રૂ.૧૨૮.૭૨ કરોડની સહાય જ્યારે વિવિધ ઓજારો/સાધનો માટે ૩૫,૨૧૬ ખેડૂતોને રૂ.૮૬.૩૨ કરોડ સહાય આપવામાં આવ્યા છે. કૃષિ ઈનપુટ સહાય અંગે જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ ૨૦૧૮-૧૯ માં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાથી જુદા જુદા ૧૧ જિલ્લાઓના ૫૧ તાલુકાઓને મહેસુલ વિભાગ દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેલ હતા તેમ જ રાજ્યમાં ૨૫૦ મી.મી. થી ૪૦૦ મી.મી. સુધી વરસાદ થયેલ હોય તેવા ૧૬ જીલ્લાઓના ૪૫ તાલુકાઓને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલ હતાં.

દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલ ૫૧ તાલુકાઓમાં ખેડૂતોને રૂ.૬૮૦૦પ્રતિ હેક્ટર વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં કૃષિ ઈનપુટ સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જયારે અસરગ્રસ્ત જાહેર કરેલા ૪૫ તાલુકાઓમાં ખેડૂતોને પ્રતિ હેક્ટરે રૂ.૫૩૦૦(૩૫૧-૪૦૦ મી.મી. વરસાદ ધરાવતા તાલુકાઓ માટે), રૂ.૫૮૦૦(૩૦૧-૩૫૦ મી.મી. વરસાદ ધરાવતા તાલુકાઓ માટે) અને રૂ.૬૩૦૦ (૨૫૧-૩૦૦ મી.મી. વરસાદ ધરાવતા તાલુકાઓ માટે) વધુમાં વધુ ૨ હેક્ટરની માં કૃષિ ઈનપુટ સહાય અંતર્ગત ૪૫ તાલુકાઓમાં મળેલ ૮.૨૮ લાખ ખેડૂતોની અરજીઓ સામે ૮.૦૩ લાખ ખેડૂતોને રૂપિયા ૬૭૩.૧૧ કરોડનું ચૂકવણુ કરવામાં આવેલ છે તથા ૫૧ તાલુકાઓમાં મળેલ ૯.૦૫ લાખ ખેડૂતોની અરજીઓ સામે ૮.૯૧ લાખ ખેડૂતોને રૂપિયા ૯૫૭.૧૯ કરોડનું ચૂકવણુ કરવામાં આવેલ છે.

બાગાયત…: કૃષિપ્રધાને જણાવ્યું કે બાગાયતી પાકોમાં પ્રોત્સાહક નીતિને લઈ ફળપાકોમાં વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૬.૫૦ લાખ હેક્ટરમાં ૧૩૨.૩૩ લાખ મે.ટન ઉત્પાદન જયારે મસાલા પાકોમાં ૧૯૯૫ પહેલા ૨.૩૦ લાખ હેક્ટરમાં ૨.૫૫ લાખ મે.ટન ઉત્પાદન થતુ હતુ જે વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૫.૮૮ લાખ હેક્ટરમાં ૧૦.૦૩ લાખ મે.ટન ઉત્પાદન નોંધાયેલ છે. આમ, બાગાયતી પાકોમાં ૧૯૯૫ પહેલાં ૪.૮૦ લાખ હેક્ટરમાં ૪૩.૦૬ લાખ મે.ટન ઉત્પાદન થતુ હતુ જે વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૧૬.૮૭ લાખ હેક્ટરમાં ૨૩૪.૩૫ લાખ મે.ટન ઉત્પાદન નોંધાયેલ છે.બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ અંદાજપત્રમાં સામાન્ય યોજનાઓ માટે રૂ.૨૯૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ રાજ્યમાં ૭ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની યોજના અંતર્ગત હાલમાં ૩(ત્રણ) સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત છે.  આ ઉપરાંત રાજ્યમાં બીજા ત્રણ નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ નવનિર્માણ પામી રહેલ છે.

ઇનપુટ સહાય: ઇનપુટ સહાય કરવાના ભાગરૂપ ખાતરમાં સબસીડી અંદાજે રૂા. ૫૦૫૮ કરોડ, ૨૦૧૮-૧૯ ટેકાના ભાવે ખરીદીમાં રૂા.૨૯૫૯ કરોડ, જે પૈકી ખેડૂતોને અંદાજીત રૂ. ૫૦૦ કરોડથી વધુનો ફાયદો થયેલ છે. અછતગ્રસ્ત ૯૬ તાલુકાની કેશ ઇનપુટ સહાય રૂા.૧૬૩૦ કરોડ, (જે પૈકી ૫૧ તાલુકામાં રૂ.૯૫૭ કરોડ અને જ્યારે ૪૫ તાલુકામાં રૂા. ૬૭૩ કરોડ), પ્રધાનમંત્રી કિસાન સન્માન સહાયરૂા. ૧૧૩૫ કરોડ (પ્રથમ બે હપ્તા ચુકવવામાં આવેલ છે, રૂ. ૪૦૦૦/-), કૃષિ વિજ સબસીડી રૂા.૬૩૮૦ કરોડ, પાક વિમાનું પ્રિમિયમ ભારત તથા ગુજરાત સરકાર રૂા. ૨૭૩૮ કરોડ, કૃષિ ધિરાણ વ્યાજ સહાય ગુજરાત સરકાર તથા ભારત સરકારના (૪+૩ ટકા) રૂા.૧૪૦૦ કરોડ (રૂ.૧૦૦૦ કરોડ રાજય સરકાર અને રૂ.૪૦૦ કરોડ કેન્દ્ર સરકાર), આધુનિક ખેત ઓજાર / સાધનો અન્ય  યોજનાકીય સબસીડી મળીને રૂા.૩૯૫ કરોડ, બાગાયત યોજનાકીય સબસીડી રૂા.૩૩૦ કરોડ, સુક્ષ્મ સિંચાઇને સુદ્રઢ કરવા માટે સહાયઅંદાજે રૂા.૬૨૯ કરોડ, બટાટા , ડુંગળી ખરીદી સહાય રૂા.૭૬ કરોડ, તાર ફેન્સીંગ સહાય રૂા. ૩૬ કરોડ, ભારે વરસાદથી કૃષિ/બાગાયતી પાકોને થયેલ નુકશાનની સહાય પેટે રૂા. ૪૮ કરોડ, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના પ્રીમિયમ રૂા. ૭૧ કરોડ, સિંચાઇ સુવિધા માટે જળ સંપતિ વિભાગ ધ્વારા  રૂા. ૬૭૯૯ કરોડ, સરદાર સરોવર, નર્મદા નિગમ ધ્વારા રૂા. ૫૪૬૦ કરોડ, આમ ખેડૂતો તથા કૃષિ કલ્યાણ અને કૃષિ વિકાસ માટે અંદાજે  કુલ રૂા.૩૫,૦૦૦ કરોડથી વધુનો ખર્ચ ગત વર્ષ દરમિયાન કરવામાં આવ્યો છે.

કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ અંતર્ગત ખેતીવાડી ક્ષેત્રે વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૨૫૫૭ કરોડ જોગવાઇ કરાઈ છે

 • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે રૂ. ૯૭૩ કરોડની માતબર રકમની જોગવાઇ.
 • પાક જોખમ નિવારણ કોરપસ ફંડ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ.
 • ખાતેદારખેડૂત અક્સ્માત વિમા યોજના હેઠળ રૂ. ૫૬ કરોડની જોગવાઇ.
 • ભારત સરકારશ્રીએ કૃષિનો વિકાસ દર વધારવા અમલમાં મુકેલ રાષ્ટ્રિય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂ. ૨૯૯ કરોડની જોગવાઇ.
 • કૃષિ યાંત્રિકિકરણના પ્રોત્સાહન માટે ખેતીના ભારે સાધનો ખરીદવા સહાય અંતર્ગત ટ્રેક્ટર ખરીદીમાં સહાય માટે રૂ. ૧૪૫ કરોડની જોગવાઈ.
 • રાજ્યમાં કૃષિ યાંત્રિકિકરણને પ્રોત્સાહન માટે ખેડૂતોને વિવિધ સાધનોની ખરીદીમાં સહાય આપવા કુલ રૂ. ૯૦ કરોડની  જોગવાઇ.
 • ખેડુતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓના માર્ગદર્શન માટે કૃષિ મહોત્સવ–૨૦૧૯ માટે રૂ. ૩૦ કરોડની જોગવાઈ.
 • રાષ્ટ્રિય ખાધ સુરક્ષા મિશન (NFSM) હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, બરછટ અનાજ અને વાણિજ્યિક પાક (કપાસ તથા શેરડી) તથા તેલીબિયાં વગેરે પાકોના ઉત્પાદનમાં વધારો કરવા સહાય માટે કુલ રૂ. ૯૭  કરોડની જોગવાઇ.
 • નેશનલ મિશન ઓન સસ્ટેઇનેબલ એગ્રીકલ્ચર યોજના (NMSA) અંતર્ગત રેઇનફેડ એરીયા ડેવલપમેન્ટ, સોઇલ હેલ્થ કાર્ડ, સોઇલ હેલ્થ મેનેજમેન્ટ, પરંપરાગત કૃષિ વિકાસ યોજના વગેરે માટે કુલ રૂ. ૫૯ કરોડની જોગવાઇ.
 • રાસાયણિક ખાતરના સંગ્રહ કરવાના ખર્ચ પેટે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અને ગુજકોમાસોલને સહાય માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇ.
 • સેટેલાઇટ ઇમેજીનરી મારફતે પાકવાર, તાલુકાવાર, જિલ્લાવાર વાવેતર વિસ્તારના અંદાજોના નિયમિત તથા ચોક્કસ આંકડા મેળવી શકાય તે માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇ
 • ઓર્ગેનિક પોલીસી અંતર્ગત રાજ્યના ખેડૂતોને પ્રોત્સાહન માટે સહાય પૂરી પાડવા માટે રૂ. ૫ કરોડની જોગવાઇ.
 • અનુસૂચિત જાતિ-જનજાતિ તેમજ નાના અને સીમાંન્ત ખેડૂતોને હેન્ડ ટૂલ્સ કિટસ પુરા પાડવા માટે રૂા. ૧૦ કરોડની જોગવાઇ.
 • ડાંગ જીલ્લો,વલસાડ જીલ્લાના ઘરમપુર, ક૫રાડા અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાને ૧૦૦ ટકા સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવાની યોજના અંતર્ગત રૂ. ૧૫ કરોડની જોગવાઇ.

કૃષિ-શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં ૪ કૃષિ યુનિવર્સિટીઓ અને વિશિષ્ટ ઓર્ગેનિક યુનિવર્સિટી કાર્યરત છે જયાં સંશોધન ક્ષેત્રે વિવિધ પાકો માટેની વધારે ઉત્પાદન આપતી અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતી સુધારેલ અને  હાઇબ્રીડની નવી  ૨૪  જાતો  તથા કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનોની ૩૯૩ સંશોધન ભલામણો ખેડૂતો તથા વૈજ્ઞાનિકો  માટે બહાર પાડવામાં આવેલ છે અને રાજ્ય કૃષિ‍ યુનિવર્સિટીઓમાં કૃષિ‍ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી વર્ષ ૨૦૧૯-૨૦ માટે કુલ  રૂા. ૭૦૦.૮૭ કરોડની  જોગવાઇ કરવામાં આવી છે.

 • ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજના હેઠળ ૧૯૭૭ લાભાર્થીઓને રૂ.૨૨.૭૩ કરોડની રક્મની ચૂક્વણી
 • કૃષિ વિભાગમાં ૨૭૭૧ નવી જગ્યાઓ કૃષિ ક્ષેત્રે ઉભી કરાશે
 • બાગાયતી પાકોમાં વધીને ૧૬.૮૭ લાખ હેક્ટરમાં ૨૩૪.૩૫ લાખ મે.ટન ઉત્પાદન
 • બાગાયત વિકાસ કાર્યક્રમની સામાન્ય યોજનાઓ હેઠળ રૂા.૨૯૬ કરોડની જોગવાઇ
 • પાક વ્યવસ્થા સદરે રૂ. ૨,૫૫૭ કરોડની જોગવાઈ
 • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે રૂ. ૯૭૩ કરોડની જોગવાઈ
 • પાક જોખમ નિવારણ ક્રોપ્સ ફંડ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ
 • કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ સંશોધન અને કૃષિ કાર્યક્રમોને સઘન બનાવવા રૂ. ૭૦૦.૮૭ કરોડની જોગવાઈ
 • ગુજરાત વિધાનસભા ખાતે કૃષિ વિભાગની માગણીઓ મંજૂર