ભૂજઃ કચ્છની સૌથી મોટી હોસ્પિટલ જી કે અદાણી હોસ્પિટલમાં 12 દિવસમાં 22 બાળકોના મોત નીપજ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આમ ડૉક્ટરોની બેદરકારીને કારણે બની રહ્યું છે.આરોગ્ય કમિશનરે આ સંદર્ભે જણાવ્યું હતું કે બાળકોના મોત મામલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં તપાસ આવશે. જેમાં બાળરોગોના તબીબ સહિતની ટીમ જી કે જનરલ હોસ્પિટલમાં તપાસ માટે જશે. સાથે નવજાત શિશુની સારસંભાળ બાબતે નિયત પ્રોટોકોલ અને માર્ગદર્શિકા આપવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઇને ઉહાપોહ મચતાં જિલ્લા ક્લેક્ટરે હોસ્પિટલ પાસે રીપોર્ટ માગ્યો છે. આ હોસ્પિટલનો વહીવટ અદાણી મેનેજમેન્ટ સંભાળે છે જેના વહીવટ સામે અવારનવાર સ્થાનિકો દ્વારા હંગામો મચાવવામાં આવે છે. સતત થઇ રહેલાં બાળકોના મોતના મામલે વધુ હોબાળો ટાળવા રીપોર્ટ માગી લેવાયો છે ત્યારે શા કારણે આમ બની રહ્યું છે તેનો યોગ્ય સ્પષ્ટતા કરવા અને જવાબદારોને નશ્યત કરવાની જિલ્લા કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી હતી.