ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યની યુવાશક્તિને વ્યાપક રોજગાર અવસર આપવા મેન્યુફકેચરિંગ સેક્ટર સાથે સર્વિસ સેક્ટર ને પણ જોબ ક્રિએશન ક્ષેત્રે સાંકળી લેવાની અપેક્ષા વ્યકત કરી છે. તેમણે ગાંધીનગરના કલોલ તાલુકા કેળવણી મન્ડળ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેગા જોબ ફેરમાં એક જ છત્ર નીચે 1700 યુવાઓને જોબ પ્લેસમેન્ટ અવસર ઉપલબ્ધ કરાવ્યાં હતાં.સીએમ રુપાણીએ હર હાથ કો કામના મંત્ર સાથે આ સરકાર કાર્યરત છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે આજે યુવાનને જરુર છે માત્ર તક આપવાની. અમે એ તક આપી યુવાશક્તિ માટે ભવિષ્યની ઉંચી છલાંગની દિશા ખોલી આપી છે.
દેશમાં દોઢ દાયકાથી ગુજરાત રોજગારી પૂરી પાડવામાં સૌથી અગ્રતાક્રમે છે.
ફકત ગુજરાતમાં 74 ટકા રોજગારી અપાઈ છે એમ પણ રુપાણીએ જણાવ્યું હતું. રાજ્ય સરકારની સેવામાં આ વર્ષે 56,000 નવી ભરતી માટેની પણ તેમણે વિગતો આ તકે ઉપસ્થિતોને આપી હતી.