નવી દિલ્હી: 2002 ગુજરાત રમખાણ મામલે સુપ્રીમ કોર્ટે સરદારપુરા ગામના 17 આરોપીઓને શરતી જામીન આપ્યા છે. કોર્ટે આરોપીઓને બે અલગ અલગ બેન્ચમાં રાખ્યા હતા. એક બેન્ચને ઈન્દોર અને એક બેન્ચને જબલપુર મોકલવામાં આવી હતી. કોર્ટે દરેક આરોપીઓને કહ્યું છે કે, જામીન પર રહેવા દરમ્યાન તેમણે સામાજિક અને ધાર્મિક કામ કરવાના રહેશે.
સુપ્રીમ કોર્ટે ઈન્દોર અને જબલપુરમાં અધિકારીઓને કહ્યું છે કે, તેઓ જામીન દરમ્યાન આરોપીઓ સામાજિક અને આધ્યાત્મિક કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખે. કોર્ટે આરોપીઓને તેમની આજીવિકા માટે પણ કામ કરવાની છૂટ આપી છે. કોર્ટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને સહમતી રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. સાથે જ અધિકારીઓને આરોપીઓના આચરણ મામલે પણ રિપોર્ટ આપવા કહ્યું છે.
ચીફ જસ્ટિસ એસ.એ બોબડેની નેતૃત્વવાળી બેન્ચે આરોપીઓને જામીન આપ્યા છે. આ બેન્ચમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત પણ સામેલ હતા.
મહત્વનું છે કે, ગોધરા કાંડ પછી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર રમખાણો થયા હતા. તેમાં 33 લોકોના મોત થયા હતાં. આ મામલે હાઈકોર્ટે 14 આરોપીઓને છોડી મૂક્યા હતા જ્યારે 17ને આજીવન જેલની સજા સંભળાવી હતી અને આ 17 આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોવાનો હવાલો આપીને જામીન માંગ્યા હતા.
અગાઉના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે. તેમનો કેસ સુપ્રીમમાં પેન્ડિંગ છે. અને આરોપીઓ ઘણા સમયથી જેલામાં બંધ છે. આરોપીઓના ગુજરાત પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.