ગુજરાતમાં કોરોનાના 13 કેસ

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતભરમાં કોરોના વાયરસના કુલ 258 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 13 જેટલા દર્દીઓ નોંધાયા છે. આ 13 પૈકી 12 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી ફોરેનની છે અને એક જ વ્યક્તિ અહીંયાનો લોકલ છે કે જેને કોરોના વાયરસની અસર થઈ છે.

વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ લોકોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે 13 કેસ સામે આવ્યા છે, તેમાંથી 12 કેસ વિદેશમાંથી ગુજરાત પરત ફરેલા નાગરિકો છે. તેથી હાલ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ ગાંધીનગરના એક યુવાનનો કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યો છે. આ યુવક દૂબઈથી આવ્યો હતો, જેને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કહેરથી ગુજરાતના 20 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જાહેરમાં 4થી વધુ લોકોને ભેગા ન થવા આદેશ કરાયા છે. જો ભેગા થયા તો કેસ થશે.

અત્યારે વિદેશથી આવેલા લોકો પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, અનેક લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા છે. ત્યારે અમદાવાદમાં ભાજપના એક નેતા હોમ કોરેન્ટાઈન થયા છે. થોડા દિવસ પહેલાં જ તેઓ વિદેશથી પરત ફર્યા હતા. દૂબઈ આવ્યા બાદ તેઓ હોમ કોરેન્ટાઈન થયા છે.

ત્રણ સિનિયર આઈએએસ અધિકારીને જુદી જુદી હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય સરકારે કર્યો છે. વડોદરામાં સ્પેશિયલ ઓએસડી તરીકે સરકારે વિનોદ રાવની નિમણૂંક કરી છે. અમદાવાદમાં પંકજ કુમાર અને રાજકોટમાં ગુપ્તાની નિમણૂંક કરાઈ છે. ગુજરાતના 600 લોકો ફિલિપાઇન્સમાં ફસાયા છે. ફસાયેલા લોકોના વાલીઓએ રજૂઆત કરી છે. હાલ ફિલિપાઇન્સ આખો દેશ લોકડાઉન છે. લોકોને ત્યાંથી લાવવા મુશ્કેલ છે. ગુજરાતમાં જે લોકો એરપોર્ટ પર આવ્યા છે, જેમનામાં શરદી, ઉધરસના લક્ષણો જણાય તો તેમને ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યા છે. તેમાંથી 90 ટકા લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી કે, 1200 બેડની સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ કોરોના પોઝિટિવ કેસોને સારવાર અપાશે. આખી હોસ્પિટલને આઇસોલેશન માટે રખાશે. આગામી 3-4 દિવસમાં અહીંયા તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરશે. આપણે કોરોના સામે લડવા નીકળ્યા છીએ, ડરવા નહિ. લોકો જનતા કરફ્યુમાં સહકાર આપે. ગુજરાતના 13 કેસોમાં અમદાવામાં 5 કેસ, સુરતમાં 3 કેસ, વડોદરામાં 3, રાજકોટ અને ગાંધીનગર 1-1 કેસ નોંધાયા છે. જેમાંથી 12 કેસ વિદેશથી આવેલા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સામેની ખરાબ સ્થિતિમાં પહોંચી વળાય તેવુ છે. આવામાં સ્વંય શિસ્ત જરૂરી છે. સુરતના એક વેપારી વિદેશ ગયા ન હતા, પણ દિલ્હી ગયા હતા. જેથી તેઓને કોરોના પોઝીટિવ આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]