રાજ્યમાં કાળઝાળ ગરમીમાં હાર્ટએટેકથી 11 જણનાં મોત

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે વડોદરામાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે સુરેન્દ્રનગરમાં બે  યુવકે જીવ ગુમાવ્યા છે. લખતરમાં 20 વર્ષીય પાર્થ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે તો સાયલામાં 45 વર્ષીય ધીરુભાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે.

વડોદરામાં છેલ્લા સાત દિવસમાં ગરમીને કારણે 29થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. વડોદરામાં ગરમીના કહેર વચ્ચે SSG દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે દર્દીઓની સંખ્યા વધતા અલગથી વોર્ડ બનાવવાની ફરજ પડી છે. ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક સહિતને કારણે લોકોએ જીવ ગુમાવ્યો છે. હીટવેવને પગલે GEB લાઇનના ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કુલ 20 થી વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અરવલ્લી, ખેડા,જૂનાગઢ, ભાવનગર, કચ્છ, બોટાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યા છે. હાલ ગરમીની વચ્ચે હાર્ટ અટેકનો કેસ વધી રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર  હૃદય રોગ સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. આજકાલ સ્વસ્થ દેખાતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે, જેની પાછળનું કારણ સાયલન્ટ હાર્ટ એટેક પણ હોઈ શકે છે. આ હાર્ટ એટેક સાયલન્ટ કિલર એટલે છે કે અચાનક જ આવે છે અને બચાવનો સમય નથી આપતો.