અમદાવાદઃ રાજ્યમાં ATS અને NIAની સંયુક્ત ટીમે પાડેલા દરોડામાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)થી કથિત સંબંધોને લઓને કમસે કમ 10 વ્યક્તિની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ માહિતી આપી હતી. NIA હાલ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં PFIથી જોડાયેલાં સ્થળોએ દરોડા પાડી રહી છે, એમ રાજ્યના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાત પોલીસ અને ATSની મદદથી વિવિધ વિસ્તારોમાંથી કમસે કમ 10 લોકોની પૂછપરછ માટે ધરપકડ કરી છે.
રાજ્યમાં PFIની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) સક્રિય છે અને કેટલાક મહિનાઓ પહેલાં એણે અમદાવાદમાં ઓફિસ શરૂ કરી હતી. આ પહેલાં દેશમાં આતંકવાદી કામગીરીને ટેકો આપવાના આરોપમાં 22 સપ્ટેમ્બરે NIAના નેતૃત્વમાં વિવિધ એજન્સીઓની ઝુંબેશ હેઠળ આ પ્રકારના દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન 15 રાજ્યોમાં PFIના 106 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં સુરત, નવસારી, બનાસકાંઠા અને અમદાવાદમાં વિવિધ સ્થળો પર NIA-ATS દ્વારા સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ફરી એક વખત આતંકવાદી સંગઠન સાથે કનેક્ટેડ લોકોની શંકાના આધારે પૂછપરછ થઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. પાકિસ્તાની સંગઠન PFI સાથે ગુજરાતના કેટલીક જગ્યાના લોકો પાકિસ્તાની સંસ્થાના ફંડિંગ સાથે જોડાયેલા છે તેમની બાતમીને આધારે અટકાયત કરવામાં આવી છે.
ATS સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના નવસારી પાસેના 10 લોકોની કેટલીક બાતમીના આધારે અટકાયત કરીને ગુજરાત ATSની ઓફિસ લાવવામાં આવ્યા છે.